અમદાવાદઃ તહેવારોના દિવસોમાં જે પ્રમાણે એન્ટીજન ટેસ્ટ કરાવવા લોકોએ AMCના ડોમની બહાર લાઈન લગાવી છે તે જ મુજબ સરકારે જે ખાનગી લેબોરેટરીને RT-PCR ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે, તેવી લેબોરેટરીની બહાર પણ લોકોએ RT-PCR ટેસ્ટ કરાવવા માટે લાઈન લગાવી છે..


અમદાવાદની સુપ્રાટેક નામની લેબમાં દરરોજના 550 લોકો RT-PCR ટેસ્ટ કરાવવા માટે આવે છે. એન્ટીજન ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવેલા લોકોનું પ્રમાણ આ ટેસ્ટ કરાવવામાં વધુ હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત કોરોના પોઝિટિવનું પ્રમાણપત્ર મેળવવા માટે લોકો ખાસ ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

શહેરમાં કોરોનાના કેસ વધતા amc હરકતમાં આવી ગયું છે. તેમજ કોર્પોરેટરોને પહેલાની જેમ કામગીરી સોંપવામાં આવી છે. લોકોને સમજાવવાની કામગીરી સોંપવામાં આવી છે. બિનજરૂરી બહાર નહીં નીકળવું તેમજ લક્ષણ હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા જેવા સલાહ સુચન આપશે. વધતા જતા કેસની પરિસ્થિતિને પહોંચી વળવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવા લાંબી લાઈન લગાવી છે. વકીલ સાહેબ બ્રિજ નીચે ટેસ્ટ કરાવવા લોકો લાઈનમાં ઉભા રહ્યા છે. આજે 12 વાગ્યા સુધીમાં જ અહીં 60 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 60 લોકો પૈકી 18 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

વકીલ સાહેબ બ્રિજ નીચેના ડોમમાં દરરોજ સરેરાશ 90 લોકો ટેસ્ટ કરાવે છે. 90 પૈકી દરરોજ સરેરાશ 22થી 25 લોકો કોરોના પોઝિટિવ આવે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોના ટેસ્ટ કરવામાં આવે છે. સનાથલ સર્કલ પાસે AMC દ્વારા મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સનાથલ સર્કલ પર દરરોજ 700થી 800 લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.

દરરોજ થતા ટેસ્ટ પૈકી 7થી 8 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવે છે. સનાથલ સર્કલ ખાતે થતા ટેસ્ટમાં 100એ 1 વ્યક્તિ પોઝિટિવ આવે છે. આજે સવારના 11.30 વાગ્યા સુધી 60 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, 60 પૈકી એકપણ વ્યક્તિ 11.30 વાગ્યા સુધી પોઝિટિવ ન જણાઈ.

વસ્ત્રાપુર ખાતે AMC દ્વારા કોરોનાના ટેસ્ટ માટે બે ડોમ ઉભા કરાયા છે. આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી 10.30 વાગ્યા સુધીમાં બે ડોમમાં કુલ 25 લોકોના ટેસ્ટ થયા અને 25 પૈકી 12 કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાપુરના એક ડોમમાં દરરોજ 100 લોકોના ટેસ્ટ થાય છે અને તેમાંથી દરરોજ સરેરાશ 60થી 70 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જોકે, અમદાવાદીઓમાં કોરોના મહામારી અંગે હવે પહેલા કરતા જાગૃતિ પણ વધી છે. જેના કારણે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા લાંબી લાઈન લગાવી રહ્યા છે. AMC દ્વારા જે વિસ્તારમાં લોકો વધારે ટેસ્ટ કરાવે છે ત્યાં બે ડોમ ઉભા કરીને વ્યવસ્થા કરવામાં આવી છે.