અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસો છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે પશ્ચિમ અમદાવાદની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નોંધાયેલા 205 કેસ માંથી 59% કેસ માત્ર પશ્ચિમ અમદાવાદના છે.

પશ્ચિમ ઝોનમાં નવા 62 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમા 38 કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 21 કેસ નોંધાયા છે. આમ, કુલ પશ્ચિમ અમદાવાદમાં કુલ 121 કેસ છે, તો પૂર્વ અમદાવાદમાં 84 કેસ નોંધાયા છે. જ્યારે મધ્ય ઝોનમાં 13 તો દક્ષિણ ઝોનમાં 11 કેસ નોંધાયા છે. તેમજ ઉત્તર ઝોનમાં 32 અને પૂર્વ ઝોનમાં 28 કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 2933 એક્ટિવ કેસો છે. જ્યારે ગઈ કાલે 202 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 8 લોકોના ગઈ કાલે મોત થયા છે. કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 596 એક્ટિવ કેસો છે. જ્યારે સૌથી ઓછા મધ્ય ઝોનમાં 208 એક્ટિવ કેસો છે.