અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના(Gujarat Corona Cases) કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. અમદાવાદમાં (Ahmedabad Corona Cases) છેલ્લા બે-ત્રણ દિવસથી 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.


અમદાવાદના ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટર (Ghatlodiya Urban Health Centre) ના રૂમ નંબર 9માંથી કોરોના ટેસ્ટિંગ કિટના (Corona Test Kit) 16 બોક્સની ચોરી થઈ છે. શુક્રવારે બપોરે 2 વાગ્યાના અરસામાં એક વ્યક્તિ ટેસ્ટિંગ કિટની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફની હાજરીમાં અજાણી વ્યક્તિ ટેસ્ટિંગ કિટના 16 બોક્સ ચોરી કરીને ફરાર થઈ જતાં અચરજ ફેલાયું હતું.  આ સમગ્ર મામલે ડો. પવન પટેલે ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અર્બન હેલ્થ સેન્ટરના રૂમમાંથી કોરોના ટેસ્ટિંગ કિટના બોક્સની ચોરી થવા મુદ્દે AMCના હેલ્થ વિભાગના અધિકારીઓએ મૌન સેવ્યું છે. 6,27,200 રૂપિયાની કોરોના ટેસ્ટિંગની એન્ટીજન કિટની ચોરીનો બનાવ 24 માર્ચે બન્યો હતો. આ ઘટના અંગે GJ 18 BF 6539 નંબરવાળી ગાડીમાં આવેલા વ્યક્તિ સામે ચોરીની નોંધાવવામાં આવી છે.


અમદાવાદમાં શું કોરોનાની સ્થિતિ


એક સમયે કોરોનાનું હોટસ્પોટ (Corona Hotspot) રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 612 નવા કેસ અને 547 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2,343 પર પહોંચ્યો છે.  


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


 રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. શનિવારે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે.