અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) ભલે છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા હોય પરંતુ તેમ છતાં અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ ચિંતાજનક છે.  અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨ લાખને પાર થઇ ગયો છે. શનિવારે ૩,૪૪૨ કેસ સાથે અમદાવાદમાં કુલ કેસ હવે ૨,૦૦,૯૨૦ છે. આમ, અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખની વસતી સરેરાશ ૨૭,૮૭૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. આ દરમિયાન અમદાવાદથી સારા સમાચાર આવી રહ્યા છે.


અમદાવાદ શહેરમાં સંક્રમણ ઘટ્યું હોવાનો ખાનગી લેબોરેટરીના સંચાલકોનો દાવો છે. લેબ સંચાલકોના કહેવા મુજબ અગાઉ એક દિવસના 1500 થી 2000 સેમ્પલ લેવામાં આવતા હતા. હવે 40 ટકા ઘટ સાથે 1200 જેટલા RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દર્દીઓનો પોઝિટિવ આવવાનો દર પણ થોડા ઘણા અંશે કાબુમાં આવ્યો હોવાનું અનુમાન છે. મે મહિનાના અંત સુધીમાં હજી પણ RTPCR સેમ્પલ આપનાર લોકોમાં ઘટાડો થવાનો અંદાજ છે.  


અમદાવાદમાં કયારે નોંધાયો હતો પ્રથમ કેસ


અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો. આ પછી પ્રથમ ૧ લાખ કેસ આ વર્ષે ૧૮ એપ્રિલના પૂરા થયા હતા. આમ, છેલ્લા માત્ર ૨૦ દિવસમાં નવા ૧ લાખ ઉમેરાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી ૮ મે સુધી અમદાવાદમાં કોરોનાના કુલ ૧,૪૩,૧૧૧ નવા કેસ નોંધાયા છે જ્યારે ૮૩૮ના મૃત્યુ થયા છે. આ સમયગાળામાં અમદાવાદમાંથી ૮૩,૩૯૧ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. અમદાવાદમાં ૨૨ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો અને દરરોજના ૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા.


હાલ અમદાવાદમાં કેટલા છે એક્ટિવ કેસ


જોકે, ૫ મેથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસના ૩૦% માત્ર અમદાવાદમાંથી છે. હાલ અમદાવાદમાં ૬૧,૯૫૬ એક્ટિવ કેસ છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસના ૪૩.૨૦% માત્ર અમદાવાદ ધરાવી રહ્યું છે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો હતો. શનિવારે રાજ્યમાં ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા હતા અને ૧૧૯ના મૃત્યુ થયા હતા. આ સાથે જ ૧૮ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૨ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.આ પૈકી ૧,૪૩,૪૮૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ હવે વધીને ૭૭.૩૬% છે.  ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.