અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. અમદાવાદમાં સતત બીજા દિવસે 500થી વધુ કેસ નોંધાયા હતા. મંગળવારે કોરોનાના કુલ 502 કેસ નોંધાયા બાદ બુધવારે નવા કુલ 506 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે લોકોનાં મોત નિપજયાં છે.આમ છેલ્લા બે દિવસમાં કોરોનાના કુલ 1008 કેસ નોંધાયા છે.કોરોનાના કેસ વધવાની સાથે એકિટવ કેસ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.હાલમાં શહેરમાં કુલ 1389 એકિટવ કેસ નોંધાયેલા છે.


અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ


અમદાવાદમાં સતત પાંચમા દિવસે 400થી વધુ કેસ નોંધાયા હતા. 24 માર્ચ, બુધવારના રોજ 506, 23 માર્ચ, મંગળવારના રોજ 502, 22 માર્ચ, સોમવારના રોજ અમદાવાદ કોર્પોરેશનમાં 481, 21 માર્ચ રવિવારે 443 કેસ અને 20 માર્ચ શનિવારે 401 કેસ, 19 માર્ચ શુક્રવારે 335 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં છેલ્લા પાંચ જ દિવસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2333 કેસ નોંધાયા છે.


શહેરમાં અત્યાર સુધીમાં કેટલા લોકોના થયા મોત


ગત માર્ચમાં શરૂ થયેલા કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 64212 કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે કોરોનાની સારવારમાંથી 459 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 60504 લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2284 લોકોના કોરોનાના કારણે મરણ થવા પામ્યા છે.


બુધવારે શહેરના અલગ અલગ કેન્દ્રો ઉપરથી કુલ 9700 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.જેમાં 5391 પુરૂષ અને 4309 મહિલાઓનો સમાવેશ થાય છે.રસી લેનારાઓમાં સૌથી વધુ 6870 સિનિયર સિટીઝનોનો સમાવેશ થાય છે.તંત્ર દ્વારા 25 માર્ચના રોજ શહેરના 238 કેન્દ્રો ઉપરથી કોરોનાની રસી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


અમદાવાદમાં કેમ વધ્યા કેસ ?


શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ તથા બે ટી-20 મેચ બાદ  કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.


રાશિફળ 25 માર્ચ: આજે છે આમલકી એકાદશી, જાણો કેવો રહેશે તમારો દિવસ