અમદાવાદઃ AMC સંકુલ બાદ હોટલ અને રેસ્ટોરન્ટમાં વેકસીનેશન ફરજીયાત બનાવવા પત્ર લખાયો છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા તમામ હોટલ માલિકોને પત્ર લખાયા છે. વેકસીનનો પ્રથમ અથવા બીજો ડોઝ ન લીધેલા નાગરિકોને પ્રવેશ ન આપવા પત્ર લખાયો છે. હોટલમાં આવતા તમામ નાગરિકોના વેકસીન સર્ટિફિકેટ ચેક કરવા સૂચના અપાઈ છે. વેક્સીનનો ડોઝ ન લીધેલા નાગરિકોને સ્પષ્ટ રીતે પ્રવેશ ન આપવા આદેશ કરાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ નિર્ણય જાહેર કર્યો હતો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. તેની સાથે સાથે AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે.
આ નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે 20 સપ્ટેમ્બરથી એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે. AMTS-BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ વેક્સિનનો પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે. તેમજ બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડીંગમાં AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહિં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દાવો કર્યો હતો કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે જેથી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને માં યોજનાના અન્વયે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, રાજય સરકાર એક ગોલ સાથે કામ કરી રહી છે કે ૮૦ લાખ લોકોને આ લાભ મળે. ગ્રીન કોરિડોર દ્વારા દર્દીને સારવાર મળે તે માટે આ યોજના રહેશે. ૬૨૫ જેટલી ખાનગી અને સરકારી તમામ હોસ્પિટલને આ યોજનામાં આવરી લેવામાં આવી છે.
ઋષિકેશ પટેલે કહ્યું કે, કોવિડની સારવાર દરમિયાન કેટલીક ફરિયાદ ઉઠી હતી પરંતુ હવે જનરલ સારવાર માટે કોઈ ફરિયાદ નહિ ઉઠે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીવત છે પરંતુ સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. ત્રીજી લહેર અંગે ગુજરાતની જનતાએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. દવાની સપ્લાય માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને જો ક્યાંક ખામી હશે તો તેને દૂર કરવામાં આવશે.
નોંધનીય છે કે એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે નહીં. જલદી કોરોના સામાન્ય શરદી, તાવ અને ખાંસીની જેમ બની જશે. ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના હવે મહામારી નહી રહે. એનો અર્થ એ નથી કે લોકોએ સાવધાન રહેવું જોઇએ નહીં. જ્યાં સુધી આખા દેશમાં તમામ લોકોને વેક્સિન ન અપાઇ જાય ત્યાં સુધી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.