અમદાવાદના દંપત્તિનો ઇરાનમાં અપહરણકારોની ચુંગાલમાંથી છૂટકારો થયો હતો. અમદાવાદના દંપત્તિ પંકજ પટેલ અને તેમના પત્ની નીશા પટેલનું ઇરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું. આખરે ઈરાનના ડેપ્યૂટી ચીફ ઓફ મિશનની મદદથી અપહરણકારોની ચુંગાલમાંથી દંપત્તિને છોડાવવામાં સફળતા મળી હતી. પંકજ અને નિશા પટેલ આજે રાત્રે અમદાવાદ આવી પહોંચે તેવી શક્યતા છે.




પંકજ પટેલ અને તેના પત્ની નીશા પટેલ એજન્ટ સાથે ડીલ કરી અમેરિકા જવા માટે નીકળ્યા હતા. જો કે, ઈરાનમાં તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણકારોએ પંકજ પટેલની પીઠમાં બ્લેડના અસંખ્ય ઘા મારી ખંડણી માંગતો વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ દંપત્તિના પરિવારજનોએ વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસની મદદ લીધી હતી. અપહરકારોની ચુંગાલમાંથી મુક્ત થયા દંપત્તિએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. ઉપરાંત પરિવારે સરકાર અને પોલીસનો પણ આભાર માન્યો હતો. પંકજ પટેલ અને નિશા પટેલ આજે રાતે અમદાવાદ આવી પહોંચશે.


યુવક પંકજ અને નીશા પટેલના પરિવારજનોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. યુવકના પરિવારજનોની ફરિયાદ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મિનિસ્ટ્રી ઓફ એક્ટર્નલ અફેર્સ, IB, રૉ, ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ ઈરાનમાં ફસાયેલા યુવકના ભાઈની અરજીના આધારે બે એજન્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ મુજબ એજન્ટ દ્વારા પૈસા પડાવવા આ અપહરણનું કાવતરું ઘડવામાં આવ્યું છે અને અભય રાવલ અને પીન્ટુ ગોસ્વામી નામના બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.


શું હતો કેસ?


 અમદાવાદના નરોડામાં રહેતા દંપતી પંકજ અને નીશા પટેલે એજન્ટ મારફતે વાયા ઈરાન થઈને અમેરિકા જવા નીકળ્યું હતું. અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી, જોકે તેમણે એજન્ટને કોઈ રૂપિયા આપ્યા નહોતા. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા. ત્યાંથી બીજો એજન્ટ વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા લઈ જશે તેવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાંથી તેમનું અપહરણ કરી લેવાયું હતું.


પીઠ પર બ્લેડના ઘા


સામે આવેલા વીડિયોની અંદર યુવકને ઊંધો સૂવડાવી દેવામાં આવ્યો છે અને એક વ્યક્તિ તેના પીઠ ઉપર બ્લેડ વડે સંખ્યાબંધ વાર ઈજા પહોંચાડે છે. થોડીવારમાં આખી પીઠ લોહીથી ખરડાઈ જાય જાય છે અને દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરી રહ્યો છે. જો આ યુવકનું અપહરણ થયું હોય તો અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક યુવક ફસાયો હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે.