અમદાવાદઃ શહેરમાં ગઈ કાલે રાતે 9 વાગ્યાથી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશ્નરે શહેરના તમામ 67 પીઆઇને પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહીને અજદારોને સાંભળવા આદેશ આપ્યો છે. તમામ પીઆઇએ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં અરજદારોને સાંભળવા પડશે. અરજદારોની સમસ્યા પોલીસ સ્ટેશનથી જ નિકાલ થઇ જાય એ માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તમામ પીઆઈને 15 કલાક ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા આદેશ કર્યો છે.
પોલીસ કમિશનરના આ નિર્ણયથી પોલીસ ઇન્સ્પેક્ટર્સ નારાજ હોવાની ચર્ચા છે. આ નિર્ણયને કારણે અરજદારોએ હવે કમિશનર કચેરી સુધી ધક્કા ખાવા નહિ પડે તેમ જ ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત વગર જ સમસ્યાનો નિકાલ થઇ જશે. આ નિયમનું પાલન કરાવવાની જવાબદારી એસીપી, ડીસીપી તેમજ અધિક પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે.
શહેરના 48 પોલીસ સ્ટેશનો, ટ્રાફિકના 17 પોલીસ સ્ટેશનો તેમ જ મહિલા ઈસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર(પીઆઇ)ને ફરજિયાત પોલીસ સ્ટેશનમાં 15 કલાક હાજર રહેવું પડશે. તેમજ સવારે 9 વાગ્યે પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમની સરકારી જીપના વાયરલેસ સેટ પરથી કંટ્રોલરૂમમાં જાણ કરવી પડશે. એવી જ રીતે રાતે 12 વાગ્યે પોલીસ સ્ટેશન છોડતી વખતે પણ આ જ પ્રમાણે જાણ કરવી પડશે.
પોલીસ સ્ટેશનમાં પીઆઈ સહિતના તમામ અધિકારીઓની નિયમિત નાઇટ ડ્યૂટી આવે છે, જેમાં તેમણે સવારે 6 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવાનું હોય છે. પોલીસ કમિશનરે આ અધિકારીઓને પણ સ્પષ્ટ આદેશ કર્યો છે કે નાઇટ કરી હોય તો પણ બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશન આવી જવું.
પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે કે, એસીપી અને ડીસીપીએ મહિનામાં 2 વખત દરેક પોલીસ સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું રહેશે. એસીપી અને ડીસીપીની આ વિઝિટની નોંધ તેમની વીકલી ડાયરીમાં પણ કરાશે. જે પીઆઈ દ્વારા આ નિયમનું ઉલ્લંઘન કરા તેમની સામે ખાતાકીય પગલાં લેવાશે.
અમદાવાદના પોલીસ કમિશનરે શહેરના તમામ 67 પીઆઈને શું કર્યો મોટો આદેશ ? પીઆઈની બગડી જશે હાલત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Nov 2020 11:53 AM (IST)
આ નિર્ણયને કારણે અરજદારોએ હવે કમિશનર કચેરી સુધી ધક્કા ખાવા નહિ પડે તેમ જ ઉપરી અધિકારીઓ સુધી રજૂઆત વગર જ સમસ્યાનો નિકાલ થઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -