Ahmedabad Crime: ફરી એકવાર ગાંજો પકડાવવાની ઘટના સામે આવી છે, આ વખતે અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંજો પકડતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આજે એક કેદી પાસેથી મોટી માત્રામાં ગાંજો પકડાયો છે. આ ઘટના બાદ જેલ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. સાબરમતી જૂની જેલના મધ્ય ભાગમાંથી આ ગાંજો ઝડપાયો હતો, જેમાં પાકા કામના કેદી સંજય ગજેરા, જેનો નંબર છે 16824, પાસેથી પેપરમાં વાળેલો 1 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. ગાંજો પકડાયા બાદ રાણીપ પોલીસે કેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંજો પકડવવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.  


પોલીસે રાજકોટમાં દરગાહમાંથી 24 કિલો ગાંજો પકડ્યો


રાજકોટમાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે  બાતમીના આધારે દરગાહ દરોડા પાડતા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, આ સાથે જ પોલીસે એક ઇસમની પણ ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે, રાજકોટના લોધીકા તાલુકાના ચીભડા ગામ નજીક આવેલી દરગાહમાં 24 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, આ 24 કિલો ગાંજાના જથ્થા સાથે પોલીસે મૂંઝાવર હબીબ શાહ નામના શખ્સની પણ ધરપકડ કરી છે. દરગાહે આવતા જંગલેશ્વરના કેટલાક ઈસમો આ માદક પદાર્થોનો જથ્થો અહીં મૂકી ગયા હોવાની શંકા પણ સેવાઇ રહી છે. દરગાહમાં ગાંજાનો જથ્થો મળ્યાની જાણ થતાંની સાથે જ આજુબાજુના ગામના લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. આ મામલે લોધીકા પોલીસે દરગાહમાં દરોડા પાડીને મૂંઝાવરને ઝડપી પાડ્યો અને તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ વાત છે કે, આ ઉપરાંત દરગાહની ઓરડીમાંથી ચલણી નોટો ભરેલો થેલો પણ મળી આવ્યો હતો, જેમાંથી કટેલીય જૂની અને નવી ચલણી નોટો નીકળી હતી.


સુરતમાં SOGની મોટી રેડ, 24 લાખથી વધુના ગાંજા સાથે એકની ધરપકડ


સુરતમાં SOG પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં સુરતના નવીપારડી ગામની સીમમાંથી 24 લાખથી વધુની કિંમતનો ગાંજો પકડી પાડ્યો છે, એટલું જ નહીં આ દરમિયાને પોલીસે એકની ધરપકડ પણ કરી છે. માહિતી પ્રમાણે, સુરતના કામરેજના નવીપારડી ગામની સીમમાંથી SOGની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, આ દરમિયાન અહીંથી મોટી માત્રામાં ગાંજો જપ્ત કર્યો હતો. સુરત ગામ્ય એસઓજીએ અહીંથી લગભગ 244.750 કિલોગ્રામ ગાંજો પકડ્યો હતો. પોલીસની આ રેડમાં નવી પારડીના થરોલી મહોલ્લમાં ભાવેશ મકવાણાના ઘર વાડામાં લોખડની પેટીમાંથી આ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પકડાયેલા આ ગાંજો 24 લાખથી વધુનો હતો, આ સાથે એકને પોલીસે દબોચી લીધો હતો. ખાસ વાત છે કે, અત્યારે ગાંજો આપનાર અને વેચનાર બન્ને વૉન્ટેડ છે. આ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસની કલમ મુજબ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 


 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial