Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરોડપતિ ચોરની ધરપકડ કરી હતી. હિતેષ જૈન નામના આરોપી પાસે 30થી વધુ ચોરેલી એક્ટિવા મળી આવી હતી. હિતેષે ચોરી કરેલી આ એક્ટિવા પિરાણા પાસેના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે હિતેષ જૈન કરોડો રૂપિયાનો માલિક છે. આરોપી પાસે બે મકાન છે જેમાંથી એક મકાનની કિંમત એક કરોડ 20 લાખ છે જ્યારે બીજા મકાનની કિંમત 80 લાખ રૂપિયા છે. હિતેષ એકથી બીજા સ્થળે જવા માટે ડુપ્લિકેટ ચાવીની મદદથી એક્ટિવાની ચોરી કરતો હતો. બાદમાં તેના સ્પેર પાર્ટ્સને વેચી મારતો હતો. અગાઉ પણ 100થી વધુ ચોરેલી એક્ટિવા સાથે તેની ધરપકડ કરાઈ હતી.




અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે માહિતીના આધારે દાણીલીમડા પીરાણા સાઈટ પાસે એક ખુલ્લા મેદાનમાંથી હિતેષ જૈન નામનાં યુવકને જથ્થાબંધ એક્ટીવા સાથે પકડી પાડ્યો હતો.  આરોપી શાહીબાગ વિસ્તારમાં બે મકાન ધરાવે છે જેમાં એક મકાનની કિંમત 1 કરોડ 20 લાખ આસપાસ છે જ્યારે અન્ય મકાનની 80 લાખ આસપાસ થાય છે.  છતાં પણ તેને ફરવા માટે વાહનની જરૂર હોય અને તે કોઈ કામધંધો કરતો ન હોવાથી જ્યાં એક્ટીવા દેખાય ત્યાંથી ડુપ્લીકેટ ચાવીથી એક્ટીવા ચોરી કરતો અને ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે તેના કબ્જામાંથી 30 એક્ટીવા કબ્જે કરી છે જે તેણે અમદાવાદ, ગાંધીનગર સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી હતી.


પકડાયેલો આરોપી વર્ષ 2016 થી વાહન ચોરીની વૃત્તિ સાથે જોડાયેલો છે. તેને એક મકાનનું દર મહિને 12 હજાર રૂપિયા ભાડુ પણ આવે છે છતાં તે આ ગુના આચરતો હતો.  અગાઉ તે 100 થી વધુ એક્ટીવા ચોરીના ગુનામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ ચૂક્યો છે. જોકે જેલમાંથી છૂટ્યા બાદ ફરી તે આ જ કામ શરૂ કરી દેતો. માત્ર 3 મિનિટમાં આ આરોપી કોઈ પણ એક્ટીવાને ચોરી કરી ફરાર થઈ જતો હતો. આરોપી પત્ની સાથે અણબનાવ થતા તેની પત્ની અને બાળકો અલગ રહે છે અને તે માત્ર માતા સાથે કરોડોના ફ્લેટમાં રહે છે.


આ આરોપી અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરેલી એક્ટિવા પીરાણા પાસે ખુલ્લા મેદાનમાં મુકી હતી. જેમાંથી બેટરી સહિતના સાધનો કાઢી પણ વેચતો હતો. આરોપીને કોઇ પણ વિસ્તારમાં જવુ હોય તેની આસપાસ પાર્ક કરેલી એક્ટીવા ચોરી કરી તેમાં પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવતો અને પેટ્રોલ પૂરૂ થતા તે એક્ટીવા અવાવરૂ જગ્યાએ મુકી ત્યાંથી અન્ય એક્ટીવાની ચોરી કરતો હતો. તેણે આજ સુધી ચોરી કરેલી કોઈ પણ એક્ટિવા કોઈને વેચતો નહોતો.