Ahmedabad News: અમદાવાદની હોટલોમાં ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની હોય તેમ લાગે છે. કેમ કે એકબાદ એક હોટલમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં નામચીન બે એકમોમાંથી જીવાત નીકળી છે. જેમાં એક છે પ્રહલાદનગર સ્થિત ઓનેસ્ટ અને બીજુ છે પરિમલ ગાર્ડન સ્થિત ગજાનંદ પૌઆ સેન્ટર છે.  પ્રહલાદનગર સ્થિત ઓનેસ્ટનાં અથાણા અને પરિમલ ગાર્ડન સ્થિત ગજાનંદ પૌઆ સેન્ટરમાં કોકોનેટ ચટણીમાંથી ઈયળ નીકળી હતી. આ બંને ઘટનામાં કોર્પોરેશનને ફરિયાદ થતા 20-20 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે.


બુધવારે, જોધપુર વિસ્તારની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી ફૂડ પાર્સલ સાથે આવેલા અથાણાંમાં જીવાત મળ્યા પછી એક ગ્રાહકે ફરિયાદ કરી. AMCના આરોગ્ય વિભાગે રેસ્ટોરન્ટનું નિરીક્ષણ કર્યું અને ખાદ્યપદાર્થોના નમૂના લેબ ટેસ્ટ માટે મોકલ્યા. ભોજનશાળાને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.


ગુરુવારે, એક ગ્રાહકે પરિમલ ગાર્ડન પાસેના ગજાનંદ પૌઆ હાઉસમાં પીરસવામાં આવતી નારિયેળની ચટણીમાં જીવાતની ફરિયાદ કરી હતી. આ ભોજનશાળાને પણ 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. તે જ દિવસે, એક ગ્રાહક કે જેણે જોધપુર ચવાણા માર્ટ અને પાલડીમાં મીઠાઈઓમાંથી ચવાણાનો ઓર્ડર આપ્યો હતો, તેને તેમાં જીવાત જોવા મળી હતી. દુકાનને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિભાગ દ્વારા એક પરિપત્ર કહે છે કે ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટની રેન્ડમ તપાસ હાથ ધરવામાં આવશે. 


થોડા દિવસ પહેલા રામદેવનગર પાસે આવેલી કોર્ટીયર્ડ મેરિયટ હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચાવ્યો હતો તેમણે જીવાતનો વીડિયો પણ મોબાઇલ કેમેરાથી કેપ્ચર કરીને વાયરલ કર્યો હતો.ગ્રાહકે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી જો કે ફરિયાદનો સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે ઉગ્ર રજૂઆત કરતા ઘટનાનો વીડિયો ઉતાર્યો અને તેને વાયરલ કરી દીધો. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી ન લેવાતા રોષે ભરાયેલા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.


ગ્રાહકે ગ્રીલ સેન્ડવિચ ઓર્ડર કરી હતી, જેનું બિલ જીએસટી સાથે 413 આવ્યું હતું.એક સેન્ડવિચના આટલા રૂપિયા ચૂકવવા છતાં પણ ગ્રાહકને  જીવાતવાળી સેન્ડવિચ મળી. રેસ્ટોરન્ટની ઘોર બેદરકારીની ઘટનાનો પર્દાફાશ આ વીડિયો દ્રારા થયો છે.  ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા કેટલાક વ્યવસાયી નફો વધુ કમાવવાના ચક્કરમાં અને લોકોના આરોગ્ય સાથે કેવા ચેડા કરે છે તેનો નમૂનો રાજકોટમાં પણ જોવા મળ્યો હતો. અહીં દિવાળી પહેલા પડેલી રેડમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યો હતા. દિવાળી સમયે  ફરસાણ અને મીઠાઇની ખરીદી વધી જાય છે ત્યારે આરોગ્ય વિભાગે ફુડની ગુણવત્તા ચકાસવા માટે ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા હતાં અને આ સમય દરમિયાન અખાદ્ય ફરસાણનો 9 ટન જથ્થો સીઝ કર્યો  હતો. . રાજકોટના વોર્ડ નં.3માં મનહરપુર વિસ્તારમાંથી ભારત ફરસાણમાંથી 9 ટન અખાદ્ય ફરસાણનો જથ્થો સીલ કરવામાં આવ્યો હતો.