Ahmedabad : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સેતલવાડ (Teesta Setalvad), સંજીવ ભટ્ટ (Sanjeev Bhatt) અને આરબી શ્રીકુમાર (RB Srikumar) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે IPC કલમો 468, 471, 194,211,218, અને 120B હેઠળ કેસ નોંધ્યા છે.
શું છે આરોપો?
આરોપ છે કે ઝાકિયા જાફરીની અરજીના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને અલગ-અલગ કમિશનમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને સમન્સ પાઠવવામાં આવ્યા છે
નકલી દસ્તાવેજો રજૂ કરી ગુજરાતને બદનામ કર્યું
સુપ્રીમ કોર્ટમાં અરજી ફગાવી દેવાયા બાદ ગુજરાત પોલીસે નવેસરથી FIR દાખલ કરી છે.આરોપ છે કે તિસ્તા સેતવલવાડે ગુજરાતને બદનામ કર્યું હતું. તેના માટે બનાવટી દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા.હવે તિસ્તાએ જણાવવું પડશે કે કોના કહેવા પર, ક્યાંથી અને કોની સાથે આ નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો.
તિસ્તા પાછળના લોકો કોણ હતા?
સુપ્રિમ કોર્ટ દ્વારા એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે તિસ્તાએ જાણી જોઈને બીજાના ઈશારે કર્યું છે. આ મામલે સ્થાનિક પોલીસમાં કેસ નોંધાયા બાદ આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ માટે મુંબઇના જુહુમાં તિસ્તાના બંગલામાં આવી હતી અને તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ આવી હતી જ્યાં કાગળની કાર્યવાહી કર્યા બાદ તેને લઈને ગુજરાત ક્રાઈમ બ્રાન્ચમાં લઇ જવામાં આવી હતી.
તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ધરપકડ
મળતી માહિતી મુજબ ગુજરાત ATSની ટીમે તિસ્તા સેતલવાડ અને પૂર્વ IAS અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધ્યા બાદ ગુજરાતના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પુછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તો તિસ્તા સેતલવાડની મુંબઈના જુહુ સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી.