Ahmedabad: એએમસી દ્વારા અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં ગુંડાતત્વો પર શિકંજો કસવાની કામગીરી શરૂ કરાઇ છે, આજે વહેલી સવારથી જ ગુંડા તત્વોના ઘરો પર ડિમૉલિશનની કામગીરી હાથ ધરાઇ છે. ગઇ 18 ડિસેમ્બરના રોજ ગરીબનગર સહિતના કેટલાક ગુંડાતત્વોએ જાહેર રસ્તાં પર પોલીસ સામે જ તલવારો વીંઝીને ગુંડાગીરી અને દાદાગીરી કરી હતી, આ ઘટનાના વીડિયો વાયરલ થયા બાદ પોલીસે એક્શન લઇને ધરપકડ કરી લીધી હતી. હવે આજથી અહીં એએમસી દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આજથી અમદાવાદમાં ગુંડા તત્વોના અડ્ડાઓ પર બૂલડૉઝર એક્શન શરૂ કરવામાં આવી છે. બાપુનગરના ગરીબનગરમાં અબ્દૂલ કરીમના અડ્ડાને આજે તોડી પાડવામાં આવશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ ડિમૉલિશન શરૂ કર્યુ છે. ખાસ વાત છે કે, આરોપી અબ્દૂલ કરીમ પર 15થી વધુ ગુના નોંધાયેલા છે અને તેને ગઇ 18 ડિસેમ્બરે જાહેર રસ્તાં પર પોલીસને તલવાર બતાવી આતંક મચાવ્યો હતો.
દબાણ હટાવવાની કામગીરીને લઇને એએમસીએ પહેલાથી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી, જેને લઇને આજે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ અંગે એસીપીએ જણાવ્યું કે, AMCના સર્વેમાં ગેરકાયદે બાંધકામ સામે આવતા આ ડિમૉલીશન થઇ રહ્યું છે. AMCએ ડિમૉલીશન માટે પોલીસ બંદોબસ્ત માગ્યો હતો. રખિયાલ અને બાપુનગર પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આમાં આરોપી સર્વર કડવાનું ગેરકાયદે મકાનનું પણ ડિમૉલિશન કરવામાં આવશે.
ગઇ 18 ડિસેમ્બરે ગુંડાતત્વોએ તલવારો સાથે ગરીબનગરમાં મચાવ્યો હતો આતંક -
અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હોવાના વાયરલ વીડિયો કેસમાં આરોપી વિરૂદ્ધ સમયસર યોગ્ય કાર્યવાહી ન કરી શકનારા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાતત્વોએ ધક્કો મારીને પોલીસવાહનમાં બેસાડી દેતા હોવાનો વીડિયો સામે આવ્યો છે.
રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકુટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયારથી આતંક મચાવ્યો હતો. પોલીસ વાન પહોંચતા અસામાજિક તત્વોએ પોલીસકર્મીને હથિયાર દેખાડી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા હતા. એટલુ જ નહીં, પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ રાત્રે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર મામલે બાપુનગર પોલીસે એક અને રખિયાલ પોલીસે એક ફરિયાદ નોંધી હતી. રખિયાલ પોલીસે સમીર ઉર્ફે ચીકા મહેબુબ મિયા શેખ નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર ગુંડાતત્વોની શોધખોળ શરૂ કરી હતી. વાયરલ વીડિયો બાદ ઈન્ચાર્જ ઝોન છ ડીસીપીએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશકુમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદ પોલીસે રખિયાર નૂર હોટલ પાસેના ગરીબ નગરમાં નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. આરોપીઓના ઘરે અને તેમના સગાસંબંધીઓના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતુ. નાઈટ ચેકિંગ દરમિયાન ઘર અને વાહનમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર મામલે એસીપી આર ડી ઓઝાએ જણાવ્યું હતુ કે ગુનેગારો વિરૂદ્ધ પોલીસે કાયદેસરના પગલા ભર્યા છે. આરોપીઓ વિરૂદ્ધ ભૂતકાળમાં પણ ગુનાઓ દાખલ થયા છે. તેમના વિરૂદ્ધ ભૂતકાળમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ સુરતના પુના ગામના ભૈયા નગરમાં વિષ્ણુ પાર્ક સોસાયટીમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા. ટ્યૂશનમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓના ગળા પર ચપ્પુ રાખીને ધમકી આપનારા ગુંડાતત્વની પોલીસે વીડિયોના આધારે ધરપકડ કરી હતી. બાદમાં પુના પોલીસે એ જ આરોપીને કાયદાના પાઠ ભણાવ્યા હતા. આરોપી પાસે હાથ જોડી પોલીસે માફી મંગાવી હતી. એટલુ જ નહીં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
આ પણ વાંચો