Mega Demolition: રાજ્યમાં ફરી એકવાર 'દાદાનું બૂલડૉઝર' ચાલ્યું છે. ભાવનગર, દ્વારકા, પોરબંદર બાદ હવે અમદાવાદમાં પણ બૂલડૉઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે અમદાવાદના બાપુનગરમાં એએમસી દ્વારા ગેરકાયદે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી, જે અંતર્ગત એક મસ્જિદના ઉપરના માળના ભાગને તોડી પાડવામાં આવ્યો હતો. અહીં ગેરકાયદે બાંધકામ હાથ ધરવામાં આવ્યુ હતુ. દબાણ દુર કરતી વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં ફરી એકવાર બૂલડૉઝર એક્શન શરૂ કરવામાં આવી છે. એએમસી વિભાગ દ્વારા દબાણ હટાવો કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મસ્જિદના ઉપરના માળનું બાંધકામ તોડી પડાયું છે. બાપુનગર ચાર રસ્તા પાસે આવેલી મદીના મસ્જિદના ઉપરના માળ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતુ, જેના પર એક્શન લેતા આજે આ ગેરકાદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતુ. દબાણની કાર્યવાહી એએમસી -કોર્પોરેશનના પૂર્વ વિભાગના એસ્ટેટ વિભાગે હાથ ધરી હતી. ડિમૉલેશનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, 3 એસીપી અને 5 પોલીસ સ્ટેશનના PI સહિતનો પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો.