Ahmedabad Flower Show: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યોજાતા સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર શોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે, આ વખતે મુલાકાતીઓના ખિસ્સા પર ભાર વધવાનો છે, કારણ કે તંત્ર દ્વારા ટિકિટના દરોમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે ફ્લાવર શોમાં 5 અલગ-અલગ થીમ આધારિત ઝોન અને 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડના પ્રયાસો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર વાર્ષિક ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, આ વર્ષે અમદાવાદીઓને ફૂલોની સુંદરતા માણવી થોડી મોંઘી પડશે. AMC દ્વારા પ્રવેશ ફીમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ, 12 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સોમવારથી શુક્રવાર સુધીની પ્રવેશ ફી 80 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવાર એટલે કે વીકએન્ડમાં ભીડને નિયંત્રિત કરવા માટે આ ચાર્જ 100 રૂપિયા કરવામાં આવ્યો છે.
કોને મળશે ફ્રી એન્ટ્રી અને કન્સેશન?
તંત્ર દ્વારા બાળકો અને ખાસ વર્ગ માટે રાહત પણ આપવામાં આવી છે. 12 વર્ષ અને તેથી નીચેની ઉંમરના બાળકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક (Free) રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, દિવ્યાંગો અને ભારતીય સૈનિકોને પણ વિનામૂલ્યે પ્રવેશ મળશે. શાળાના પ્રવાસ માટે પણ ખાસ જોગવાઈ છે; AMC સિવાયની અન્ય ખાનગી શાળાના બાળકો જો સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 થી 1 વાગ્યા સુધી આવે તો તેમની પ્રવેશ ફી માત્ર 10 રૂપિયા રહેશે.
5 ઝોનમાં વહેંચાયેલું ફ્લાવર શોનું આકર્ષણ
આ વર્ષે ફ્લાવર શોને કુલ 5 અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે, અને પ્રવેશદ્વાર પર જ ભવ્ય કમળ આકારના ફાઉન્ટેન મૂકવામાં આવ્યા છે.
ઝોન 1 - ઉત્સવોનું ભારત: અહીં 'એકતામાં અનેકતા'ની થીમ પર ભારતના વિવિધ તહેવારો જેમ કે દીપોત્સવ, હોળીના રંગો, ઓણમ અને બિહુ જેવા ઉત્સવોને ફૂલો અને સ્કલ્પચર દ્વારા જીવંત કરવામાં આવશે.
ઝોન 2 - શાશ્વત ભારત: આ ઝોનમાં પૌરાણિક વારસો જોવા મળશે. સમુદ્રમંથન, ભગવદ ગીતાનું જ્ઞાન, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામસેતુ જેવા પ્રસંગો ફૂલોના માધ્યમથી રજૂ થશે.
ઝોન 3 - કલા અને સંસ્કૃતિ: અહીં ભારતીય લોકનૃત્યો અને શાસ્ત્રીય નૃત્યો જેમ કે કુચીપુડી, ભાંગડા, ગરબા અને કથકની ઝાંખી ફૂલોની પ્રતિકૃતિઓ દ્વારા દર્શાવવામાં આવશે.
ઝોન 4 - ભારતની સિદ્ધિઓ: આધુનિક ભારતની ઝલક અહીં જોવા મળશે. હાઈ સ્પીડ રેલ, રિન્યુએબલ એનર્જી, સ્પેસ ટેકનોલોજી, રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રે ભારતની હરણફાળને ફૂલોથી કંડારવામાં આવશે.
વર્લ્ડ રેકોર્ડ બનાવવાની હેટ્રિક તૈયારી
અમદાવાદ ફ્લાવર શોનું નામ અગાઉ બે વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે. આ પરંપરાને જાળવી રાખતા, આ વર્ષે ઝોન 5 માં વધુ બે રેકોર્ડ બનાવવાનું આયોજન છે. જેમાં 30 મીટર વ્યાસનું એક વિશાળ ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું ફૂલોમાંથી બનાવેલું પોટ્રેટ તૈયાર કરવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે.