Ahmedabad News: સવારે જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે ત્રણ વ્યક્તિના મર્ડરનો પ્રયાસ કરાયો હતો. જીવરાજ મહેતા હોસ્પિટલ 3 રસ્તા પાસે સવારે 5 વાગે ઘટના બની હતી. જેમાં ત્રણ વ્યક્તિને બચાવવા જનાર અરવિંદ ભાઈનું મોત થયું હતું. રેતી ખનન મામલે અંગત અદાવતમાં સવારે મર્ડરનો પ્રયાસ થયો હતો. વાહને 3 લોકોને ટક્કર મારતાં અરવિંદ ભાઈ તેમને બચાવવા ગયા હતા. જેમાં અરવિંદ ભાઈને ટક્કર વાગતાં મોત થયું હતું.
સુરતમાં કતારગામમાં હિટ એન્ડ રન
સુરત કતારગામ ગજેરા સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મોડીરાત્રે પુરપાટ ઝડપે દોડી રહેલી બાઈકે મહિલા ને અડફેટે લીધી હતી. મહિલાને ગંભીર ઇજા પહોંચતા 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં ફોર વ્હીલ ચાલકે રાહદારીને ઉડાવ્યો, પરિવારજનોમાં શોકનો માહોલ
દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ફોર વ્હીલ ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીનું મોત થયું છે. ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. દેવગઢ બારીયા પીપલોદ રોડ ખાતે આ ઘટના બની હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાહદારીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાટણમાં હિટ એન્ડ રનમાં દંપત્તિનું મોત
પાટણના સિધ્ધપુર હાઇવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં પતિ,પત્નીના મોત થયા છે. ગાડી ચાલકે પગપાળા જઈ રહેલા દંપત્તિને અડફેટે લીધા હતા. પાટણના સિદ્ધપુર હાઇવે પર આવેલી રત્નદીપ સોસાયટી પાસે ઘટના બની હતી. ગાડીની ટક્કરથી પતિ પત્નીના ઘટના સ્થળે મોત થયા હતા. સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
લીંબડી-રાજકોટ હાઇવે પર લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, ચાર લોકો ઘાયલ
સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. લીંબડી રેલવે બ્રીજ નજીક ખાનગી લકઝરી બસ અને કન્ટેનર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ દ્વારકાથી અમદાવાદ જતી હતી. ખાનગી બસમાં 56 પેસેન્જર હતા. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. નાની મોટી સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.