Coldplay Ahmedabad concert: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ ૧.૨ લાખથી વધુ ચાહકોની સામે પરફોર્મન્સ આપ્યું. બેન્ડના લીડ સિંગર ક્રિસ માર્ટિને આ શોને તેમના અત્યાર સુધીના સૌથી મોટા શોમાંનો એક ગણાવ્યો હતો. આ કોન્સર્ટની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, અને અમદાવાદના લોકો માટે આ એક યાદગાર ઘટના બની ગઈ છે.
કોલ્ડપ્લેના ચાહકો દેશ-વિદેશથી આ કોન્સર્ટ જોવા માટે અમદાવાદ ઉમટી પડ્યા હતા. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું અને લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો. જેવો જ બેન્ડે સ્ટેજ પર પ્રવેશ કર્યો, તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓથી આખું સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું. કોલ્ડપ્લેએ તેમના જાણીતા ગીતો જેવા કે "યલો", "ધ સાયન્ટિસ્ટ", "ફિક્સ યુ" અને "વિવા લા વિડા" રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ક્રિસ માર્ટિને દર્શકોને સંબોધતા કહ્યું હતું કે, "આ વિશ્વના સૌથી મોટા દર્શકોમાંનું એક છે જેની સામે અમે પરફોર્મ કર્યું છે." તેમના આ શબ્દોએ અમદાવાદના લોકોના દિલ જીતી લીધા હતા. આ કોન્સર્ટ માત્ર એક મ્યુઝિકલ ઇવેન્ટ ન હતો, પરંતુ તે એક સાંસ્કૃતિક ઉત્સવ બની ગયો હતો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વિશાળતા અને આયોજનની કુશળતાએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કોન્સર્ટ અમદાવાદના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે નોંધાઈ ગયું છે. કોલ્ડપ્લેના ચાહકો આ રાતને ક્યારેય નહીં ભૂલી શકે.
નોંધનીય છે કે, સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલા આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે ૨ વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં અંદાજે ૧ લાખથી વધુ લોકોની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
સુરક્ષા વ્યવસ્થામાં કુલ ૩૮૨૫ પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા, જેમાં ૧૪૨ PSI, ૬૩ PI, ૨૫ ACP અને ૧૪ DCP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડે પગે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, QRTની ૩ ટીમ, NSGની ૧ ટીમ, SDRFની ૧ ટીમ અને BDDSની ૧૦ ટીમ પણ સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવી હતી. દરેક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પૂરતા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ૨૬ જાન્યુઆરીના IB એલર્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સુરક્ષા જવાનોને પણ સ્ટેડિયમમાં હાજર રાખવામાં આવ્યા હતા.
ક્રિસ માર્ટિનના પ્રસિદ્ધ બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે દેશભરમાંથી મ્યુઝિક લવર્સ અમદાવાદ પહોંચ્યા હતા. પુણેથી આવેલા કેટલાક મ્યુઝિક લવર્સે જણાવ્યું હતું કે તેમને ઘણી મહેનતે ટિકિટ મળી હતી અને તેઓ સાઉથ કોરિયા, મુંબઈ, અબુ ધાબી અને સિંગાપોરમાં યોજાયેલા કોલ્ડપ્લેના કોન્સર્ટમાં પણ ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અંતે અમદાવાદમાં ટિકિટ મળતા તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા.
ઉલ્લેખનીય છે કે ક્રિસ માર્ટિનનું બેન્ડ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપે છે. આ કોન્સર્ટમાં દર્શકોના જમ્પ કરવાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટોકિટ પણ રી-પ્રિન્ટ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.