અમદાવાદઃ કોરોના અને લોકડાઉનના કારણે સ્કૂલો બંધ રહી હોવા છતાં  મોટી શાળાઓ વાલીઓને ફી ભરવા માટે મેસેજ કરીને જાણ કરી રહી છે અને દબાણ કરી રહી છે ત્યારે દરિયાપુર વિસ્તારની એક શાળાએ વિદ્યાર્થીઓની ફી માફીની જાહેરાત કરી છે.


દરિયાપુર વિસ્તારમાં ડબગરવાડ પાસે આવેલી. જે.પી. સ્કૂલના સંચાલકોએ ધોરણ 1થી ધોરણ 8ના 350 જેટલા વિદ્યાર્થીઓની ફી ન લેવાનો નિર્ણય લીધો છે. આ સ્કૂલ કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે અને આગામી જુલાઈ માસથી શરૂ થતા શૈક્ષણિક વર્ષ માટે માટે સંચાલકો ફી નહીં વસૂલે. આ શાળામાં શ્રમિક, મજૂરી અને રોજ કમાઇને પોતાનું ગુજરાન ચલાવનારા વાલીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમની આવક હાલમાં બંધ છે. હાલના સમયમાં આ વિસ્તારના વાલીઓ પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી  જે.પી. સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસે જુલાઈથી લઈ ઓક્ટોબર 2021 સુધી ફી માફ કરી છે. એટલું જ નહીં પરંતુ ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલ માસની ફી પણ નહીં લે. આમ કુલ 17 મહિનાની રૂપિયા 300 મુજબ એક વિદ્યાર્થીની વર્ષની 5 હજાર જેટલી ફી સ્કૂલ માફ કરીને સ્કૂલે વિદ્યાર્થીઓને મોટી રાહત આપી દીધી છે.

હાલની પરિસ્થિતિને જોતા વાલીઓ પોતાના બાળકોને શાળામાંથી અધવચ્ચેથી અભ્યાસમાંથી ઉઠાવી ન લે, વિદ્યાર્થીઓના ભણતર પર કોઈ અસર ન પડે અને પોતાનો અભ્યાસ યથાવત રાખે તે માટે સંચાલકોએ આ મહત્વનો નિર્ણય લીધો છે. સ્કૂલની ફી ભલે ઓછી હોય પરંતુ વિદ્યાર્થી અને વાલી પ્રત્યેનો હકારાત્મક અભિગમ મહત્વનો હોય છે તેવામાં આ શાળાની ઉદારતા અને શાળાઓ માટે પ્રેરણારૂપ બનશે એવું સ્કૂલના સંચાલક જીતુભાઇ શાહે જણાવ્યું છે.