ઉલ્લેખનીય છે કે 31મી ઓક્ટોબરના દિવસે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તેમની ગુજરાતની કેવડિયા અને અમદાવાદ યાત્રા દરમિયાન સી-પ્લેન સેવાનું ઉદ્ઘઘાટન કર્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર આ દેશની પ્રથમ સી-પ્લેન સેવા હતી. જેમાં અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મુસાફરી થતી હતી. જો કે હવે સી-પ્લેનને 15 દિવસ સુધી બંધ કરવામાં આવી છે. સી-પ્લેનને સર્વિસિંગ માટે માલદીવ મોકલવામાં આવશે.
સી-પ્લેન સેવાને હજુ એક મહિના જેટલો સમય પણ નથી થયો એટલામાં જ આ સી-પ્લેન સુવિધા મહિનાની અંદર જ બીજી વખત બંધ રાખવામાં આવી રહી છે. આ મહિનામાં જ આ પહેલા પણ એકવાર મેઇન્ટેનેન્સ માટે સેવા બંધ રખાઈ હતી. ત્યારે વધુ એક વાર 15 દિવસના લાંબા સમય માટે સેવા બંધ રાખવાથી પ્રવાસીઓને હવે વધુ રાહ જોવી પડશે.
અમદાવાદથી ડાયરેક્ટ કેવડિયા સુધીની કનેક્ટિવિટી ધરાવતી સી-પ્લેન ની સુવિધા હાલ પૂરતી બંધ થવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટૂરિઝમને પણ ફટકો પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.