અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝાયડ્સ ફાર્મા કંપનીમાં કોરોના વેક્સીનની રસી પર ચાલી રહેલા કામની પ્રગતિની વિગતો મેળવવા અમદાવાદ આવ્યા ત્યારે એરપોર્ટ પર તેમને આવકારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી કે રાજ્ય સરકારના કોઈ મંત્રી હાજર નહોતા.

વડાપ્રધાન મોદીને આવકારવા માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા પોલીસ વડા આશિષ ભાટિયા સહિતના અધિકારીઓ જ હાજર હતા. ચૂંટાયેલી પાંખમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મેયર બિજલબેન પટેલ સહિત કોઈ પણ હાજર ના રહેતાં આશ્ચર્ય સર્જાયું છે. સામાન્ય રીતે મોદીને આવકારવા મુખ્યમંત્રી રૂપાણી હાજર જ હોય છે પણ આ વખતે તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. મુખ્યમંત્રીના સ્ટાફમાંથી એક વ્યક્તિને કોરોના આવતાં મુખ્યમંત્રી સાવચેતી ખાતર હાજર નહીં રહ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે પણ અન્ય કોઈ પ્રધાન કે મેયર પણ હાજર નહીં હોવાથી મોદી તેમનાથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.

મોદી આજે બે ક્લાકનો સમય કાઢીને અમદાવાદ આવ્યા હતા અને ઝાયડ્સમાં બની રહેલી વેકસીનનું જાત નિરીક્ષણ કર્યું હતું. મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડ્સના ચાંગોદાર ખાતેના પ્લાન્ટમાં ગયા હતા. મોદી અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદાર ગયા હતા અને બે કલાક ઝાયડ્સના પ્લાન્ટમાં રોકાઈને વેકસીન અંગે માહિતી મેળવી હતી. મોદી ચાંગોદારથી હેલિકોપ્ટર મારફતે એરપોર્ટ પહોંચ્યા હતા અને સીધા પૂના ગયા હતા.