અમદાવાદ: રાજ્ય સરકાર સામે પડેલા અલગ અલગ સંગઠન બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાના નોકર મંડળએ પણ પ્રશાસન સામે બાયો ચડાવી છે. 15 વર્ષથી વધુ સમયથી પડતર માંગણીઓના સ્વીકાર માટે AMC નોકર મંડળે એક સપ્તાહનો સમય માંગ્યો છે. આગામી સપ્તાહથી અલગ અલગ વિરોધ પ્રદર્શન કરીને વિરોધની શરૂઆત કરવામાં આવશે. નોકર મંડળના 24000 સભ્યો ફાયરવિભાગ, AMC સંચાલિત હોસ્પિટલ, AMTS સહિતના વિભાગોમાં ફરજ બજાવી રહ્યા છે. મુખ્ય મુદ્દાઓ નોકરમંડળના કયા છે તેના ઉપર નજર કરીએ તો,



  • ફાયરવિભાગને 8 કલાકની નોકરી આપવા માગ

  • AMTSને વારસદારની નોકરીની માંગ

  • બોપલ અને ઘુમામાં તાજેતરમાં મુકાયેલા સફાઈ કામદારોનો મુદ્દો પડતર

  • નોકર મંડળ અંતર્ગત આવતા સભ્યોના જર્જરિત સ્ટાફ કવાટર્સ અંગે નિર્ણય

  • મેડિકલ અનફિટ કામદારોના વારસદારને નોકરી આપવાની માંગ

  • સુરત મહાનગરપાલિકાની જેમ પગાર ધોરણમાં સુધારો

  • સફાઈ કામગીરી માટે અપૂરતી સાધન સામગ્રી

  • નવી પેંશન યોજના બંધ કરીને જૂની પેંશન યોજના ફરી અમલી બનાવવાની માગ


જાણો ભાજપના સાંસદે ગોંડલ બેઠક પર કોને ટિકિટ આપવાનું કહ્યું


હજુ તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ ત્યાં તો ટિકિટને લઈને રાજકીય પાર્ટીઓમાં ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ચૂંટણી લડવા માંગતા દરેક ઉમેદવારો લોબિંગ કરવામાં લાગી ગયા છે. તો બીજી તરફ પોરબંદરના સાંસદ રમેશ ધડુકના એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ભાજપના સાંસદે ગોંડલમાં ગીતાબા જાડેજાને ટિકિટ મળે તે માટેની અમે માંગણી કરીશું તેવી વાત કહેતા રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, આવતા દિવસોમાં ઘીના ઠામમાં ઘી પડી જશે. નોંધનિય છે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલતા વિવાદને લઈને પણ સાંસદે મોટું નિવેદન આપ્યું છે. આવનારા સમયનાં સૌ સારાવાન થઈ જશે તેમ તેમણે કહ્યું.


ભાજપના સાંસદે પોતાની પાર્ટીના નેતાઓને કરી ટકોર


રાજપીપળા ખાતે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને ટકોર કરી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. મનસુખ વસાવાએ બિલ્ડર લોબી પ્રત્યે ગુસ્સો વ્યક્ત કર્યો અને ખેડૂત પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તંત્રમાં ઘણા બધા લોકોની મિલીભગત છે. નર્મદા જિલ્લામાં ઘણા બિલ્ડર લોબી એ 73AAનો ભંગ કરી જમીનો ખરીદી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ બાકી ખેડુતો મજૂર બનીને રહી જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી છે.


ભાજપ સાંસદે વધુમાં કહ્યું, દહેજ વિસ્તારમાં જે લોકોની જમીન ગઈ છે તેમને મજૂરી પણ મળતી નથી. આપણા જ કેટલાક લોકો બિલ્ડર લોબીની દલાલી કરે છે. કોંગ્રેસના લોકો ભેગું કરવામાં ઘરે જતા રહ્યા જો આપણા લોકો પણ ભેગું કરશો તો તમે પણ ઘરે જતા રહેશો. સરકારને નુકશાન પહોંચાડશે તેવા લોકોને હું ચલાવી નહિ લઉ. ગામોના ગામો વેચાતા મેં રોક્યા છે નહીં તો કેટલાય ગામો બિલ્ડર લોબી ખરીદી લેતી. સાચી વાત કહેવામાં આપણને શુ કામ ડર લાગે. આમ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે.


AAPની સરકાર જૂની પેન્શન યોજના લાગું કરશે


દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વડોદરામાં પેન્શન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે તો અમે જૂની પેન્શન સ્કીમ લાગું કરીશું. ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છએ. આમ આદમી પાર્ટીને એક મોકો આપવાની કેજરીવાલે અપીલ કરી હતી. સરકારી કર્મચારીઓને અંદરખાને આપ માટે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમે ગુજરાતના લોકોની મોંઘવારી દૂર કરીશું. ભાજપ અને કોંગ્રેસ ઇચ્છતી નથી કે લોકોની સમસ્યા દૂર થાય. કેજરીવાલે કહ્યું કે, સરકારી કર્મચારી દુઃખી. ઓલ્ડ પેન્શન સ્કીમ ની તેઓ માંગ કરે છે. અમારી સરકાર બનશે તો સ્કીમ લાગુ કરીશું. સરકારી કર્મચારીઓને કહ્યું તમે સંઘર્ષ ચાલુ રાખો. જો આ સરકાર ઓપીએસ લાગુ કરે તો સારી વાત છે. નહીં કરે તો અમે સત્તા પર આવતાજ સ્કીમ લાગુ કરીશું.