પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મણિનગરમાં રહેતા શ્રીમંત ઉદ્યોગપતિ પરિવારના એકના એક દીકરાને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. પરિવાર આ યુવતી સાથે પુત્રનાં લગ્નની વિરૂધ્ધ હતો પણ પ્રેમમાં પાગલ યુવકે પરિવારજનોની મરજી વિરૂધ્ધ યુવતી સાથે લગ્ન કરી લીધાં હતાં.
લગ્ન બાદ યુવક પત્નિ સાથે અલગ રહેતો હતો. થોડા જ દિવસોમાં યુવકને જાણ થઈ કે તેની પત્નીને દારૂ પીવાની લત છે અને દારૂ પીને બેફામ બની જાય છે. આ બાબતે પતિપત્ની વચ્ચે ઝગડો થતાં યુવકે તેનાં માતાપિતા સાથે પાછા રહેવા જવાનું નકકી કર્યું હતું. પત્નિએ વિરોધ કર્યો હતો પણ યુવક મક્કમ રહેતાં તે સાથે રહેવા ગઈ હતી.
મણિનગરમાં સંયુકત પરિવારમાં રહેવા ગયા પછી યુવતીએ યુવકના માતાપિતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. યુવતી દારૂના નશામાં ચૂર થઈને બેફામ વર્તન કરતી અને પોતાના પતિને મારવા પણ માંડી હતી. યુવક પત્નિ હાથ ઉપાડતી એના કારણે ગુસ્સે થતો પણ પરિવાર સચવાય અને આબરૂ ના જાય એટલે તેણે કોઈને કહ્યું નહતું. તેના કારણે પત્નિ બેફામ બની હતી અને એક દિવસ યુવકની ફેક્ટરી પર દારૂ પીધેલી હાલતમાં પહોંચી ગઈ હતી. યુવકને ગાળાગાળી કરીને ધમાલ મચાવી હતી.
પત્નિએ યુવક માતાપિતાનું એક માત્ર સંતાન હોવાના કારણે તેમનો બંગલો પોતાના નામે કરી આપવા માટે પણ દબાણ શરૂ કર્યું હતું. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, થોડા સમય પહેલાં યુવકના પિતાને કોરોના થયો હતો. એ વખતે ઉપરના માળે રહેતી યુવતીએ પતિને પિતાની સારવાર માટે નહીં જવા કહેતાં બોલાચાલી થતા યુવતીએ તેના પતિને માર માર્યો હતો. તેણે દહેદ વિરોધી કાયદા હેઠળ કેસ કરવાની તેમજ આત્મહત્યા કરી લેવાની ધમકી આપતી હતી. યુવતીએ થોડા સમય પહેલા યુવકના માતાપિતા સામે દહેજ મામલે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ પણ કરી હતી. યુવકે પત્નિ સામે પહેલાં પણ ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થઈ જતા બંને સાથે રહેવા લાગ્યાં હતાં.