અમદાવાદઃ શહેરના રખિયાલમાં પ્રેમિકા સાથે શરીરસુખ માણ્યા પછી પ્રેમીએ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. સગીર પ્રેમિકાની સગાઈ નક્કી થતાં બંને ભાગી ગયા હતા. જોકે,  બે સંતાનનો પિતા લગ્ન કરી શકે તેમ ન હતો. બીજી તરફ પ્રેમિકાએ લગ્ન માટે દબાણ કરતાં પ્રેમીએ પ્રેમિકાની ઝેર પીવડાવીની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી આરોપીએ સગીરાની લાશ ઝાડીમાં ફેંકી દીધી હતી. જોકે, રખિયાલ પોલીસે ગણતરીની જ કલાકોમાં જ આરોપી  દિલીપ ઉર્ફે બાબો ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. 


આ અંગેની મળતી વિગતો પ્રમાણે, શહેરના રખિયાલમાં રહેતી અને મૂળ દસક્રોઇ તાલુકાની સગીરાને તેના જ ગામના દિલીપ સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમી પરણીત અને બે સંતાનોનો પિતા હોવા છતા તેની સાથે શારીરિક સંબંધ માણતી હતી. દરમિયાન સગીરાના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હતા. 


સગીરાના લગ્ન નક્કી થઈ જતાં બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કરી નાંખ્યું હતું. પ્લાન પ્રમાણે દિલીપ સાથે પ્રેમિકા બાઇક પર ઘરેથી ભાગી ગઈ હતી. આ પછી સગીર પ્રેમિકાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, પ્રેમીએ અગાઉથી જ જંતુનાશક દવા ખરીદી રાખી હતી. 


છેલ્લે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ પ્રેમિકાએ લગ્ન માટે જીદ કરતાં પ્રેમીએ ઝેરી દવા પીવડાવી તેની હત્યા કરી નાંખી હતી અને લાશ ઓઢવ રિંગ રોડ પર ઝાડીમાં ફેંકી દીધી હતી અને પછી ઘરે જતો રહ્યો હતો. બીજી તરફ સગીરાના માતા-પિતાની ગુમ થયાની ફરિયાદને આધારે તપાસ કરતાં બાબો ઠાકોર સાથે તેના પ્રેમસંબંધ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે પ્રેમીની ધરપકડ કરી લીધી હતી. 


આરોપીની પૂછપરછમાં તે પરણીત હોવાનું અને બે બાળકોનો પિતા હોવાથી સગીર પ્રેમિકાને અપનાવી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. પ્રેમિકાને અપનાવી શકે તેમ ન હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. રખિયાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.