Ahmedabad: અમદાવાદમાં ગુનેગારોને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવી ઘટનાઓ બની રહી છે. શહેરના મણિનગર વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે રામબાગ ચાર રસ્તા પાસે જ્વેલર્સમાં એક શખ્સ રિવોલ્વર લઈને લૂંટના ઇરાદે ઘૂસ્યો હતો.  જો કે જ્વેલર્સે પ્રતિકાર કરતા શખ્સ ફરાર થયો હતો.  જે બાદ આસપાસના સ્થાનિકોને સમગ્ર ઘટનાની જાણ થતા જ એકઠા થયા હતા અને આરોપીને ઝડપી પાડ્યો હતો. દરમિયાન આરોપીએ ટોળાને ડરાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યાની પણ ચર્ચા છે. જો કે સ્થાનિકો લૂંટારાથી ડર્યા વિના હિંમત દેખાડી આરોપીને ઝડપી પાડ્યો હતો.  મણિનગર પોલીસ સ્ટેશન નજીક આવેલી વૃંદાવન જવેલર્સમાંથી રિવોલ્વર સાથે એક વ્યક્તિને પસાર થતા જોયા બાદ ટોળાએ પોલીસને જાણ કરી હતી.




પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. હાલમાં આરોપી જમ્મુ કશ્મીરમાં આર્મી જવાન તરીકે ફરજ બજાવે છે. પરંતુ દેવું વધી જતા મણિનગરના વૃંદાવન જ્વેલર્સમાં લૂંટના ઈરાદે અમદાવાદ પહોંચ્યો હતો. હાલમાં પોલીસે લોકેન્દ્ર શેખાવત વિરૂદ્ધ ફાયરિંગ વીથ લૂંટનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના જયપુરના અને હાલ જમ્મુ કશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા લોકેન્દ્ર શેખાવત સોમવારે જયપુરથી અમદાવાદ પહોચ્યા હતા અને સોમવારે મોડી સાંજે મણિનગર વિસ્તારમાં ફરતા ફરતા વૃંદાવન જવેલર્સ નજીક લૂંટના ઇરાદે પહોચ્યો હતો. જે બાદ જવેલર્સના માલિકે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટી જનતાને ધમકાવવા રિવોલ્વર લઈને નીકળ્યો હતો.   


અન્ય એક ઘટનામાં શહેરના ઈદગાહ ચોકી પાસે હાથમાં તલવારો સાથે કેટલાક શખ્સો અષ્ટવિનાયક કોમ્પલેક્ષ પાસે ધસી આવ્યા હતા અને તલવાર દેખાડી ધાક ધમકી આપી હતી. બાદમાં તોડફોડ પણ કરી હતી. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે યુવકોની શોધખોળ શરૂ કરી હતી.


શહેરમાં મોડી રાત્રે હત્યાની એક ઘટના બની હતી. શહેરના માધુપુરા વિસ્તારમાં કૃણાલ ઠાકોર નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે. હાલ આ કેસમાં માધુપુરા પોલીસ તપાસ કરી રહી છે.