Ahmedabad :અમદાવાદ શહેરમાં પડેલા સાર્વત્રિક વરસાદને લઈને ઉભી થયેલી સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ કરાયેલી રજૂઆતમાં સિનિયર એડવોકેટ ભાસ્કર તન્નાએ ધ્યાન દોર્યું કે શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, તે રીતે શહેરી વિકાસનું પ્લાનિંગ યોગ્ય રીતે નથી થઈ રહ્યું.
સિનિયર એડવોકેટે આપ્યું આ ઉદાહરણ
એક દાખલો આપતા સિનિયર એડવોકેટે એમ પણ જણાવ્યું કે અમદાવાદમાં પડેલા ભારે વરસાદમાં ચીફ જસ્ટીસના બંગલામાં આવેલું આખું ગ્રાઉન્ડ સ્વિમિંગ પૂલ બન્યું હોય તે પ્રકારની સ્થિતિ આસપાસના રહીશોએ ટોચ ઉપરથી જોઈ છે. એવી જ રીતે આખા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ. આ માત્ર મજબૂત પ્લાનિંગના અભાવનું કારણ છે. આ મુદ્દાને કોર્ટે ધ્યાને લેવો જોઈએ અને તેનું સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ.
શું કહ્યું ગુજરાત હાઇકોર્ટે ?
હાઇકોર્ટે આ મુદ્દે સિનિયર એડવોકેટ ભાસ્કર તન્નાને જાહેરહિતની અરજી કરવા માટે ટકોર કરી છે.ચીફ જસ્ટીસે કહ્યું કે આવા મુદ્દાઓ કોર્ટના ધ્યાને લાવવા જરૂરી છે અને કાયદા સાથે જોડાયેલા લોકોએ કોર્ટનું ધ્યાન દોરવું પણ જરૂરી છે અને કોર્ટ આ બાબતની સરાહના કરે છે.પરંતુ કોર્ટ સ્વતઃસંજ્ઞાન લે તેના કરતાં નાગરિક પોતાની ફરિયાદ રજૂ કરે તો કોર્ટ જરૂરી નિર્ણય લેશે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં હજી પણ પાણી
અમદાવાદમાં પાણી કે પાણીમાં અમદાવાદ? અમદાવાદ શહેરમાં વરસાદના 12 કલાક પછી પણ અમુક વિસ્તારમાં પાણી ન ઓસરતા અમદાવાદવાસીઓને આ પ્રશ્ન થયા એ સ્વાભાવિક છે. ગઈકાલે 10 જુલાઈએ પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જો કે અમુક વિસ્તારમાં પાણી ઓસરી ગયા હતા. પણ અમુક વિસ્તારમાં 12 કલાક બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકો મુશ્કેલીની સામનો કરી રહ્યાં છે. સાથે પ્રશાસનની કામગીરી પર પણ સવાલ થઇ રહ્યાં છે.