Ahmedabad News:  અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ હિંમતસિંહ પટેલ સક્રિય થયા છે. તેમણે સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું, ગાયોના નામે સરકારે મત લીધા છે. ગોપાલકોએ રસ્તા પર ગાય કે ઢોર નહીં છોડી તેની જવાબદારી લીધી છે, ગાયને પૂરતુ ઘાસ પાણી નથી મળતું, રોજની ઘણી ગાયમાતા મૃત્યુ થાય છે, એએમસીમા કોંગ્રેસની સત્તા હતી ત્યારે અનેક રબારી વસાહતો બનાવી હતી. આજે તે સ્થળો ઉદ્યોગકારોને સોંપી દેતા માલધારી સમાજ જમીન વિહોણો બની ગયો છે તો હાલ કેમ આ સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી. ધર્મના નામે ભાજપ મત માગવાનુ બંધ કરે.


આ ઉપરાંત તેમણે કહ્યું, જરૂર પડે અને ગાય માતાના મોતને મામલે મુખ્યમંત્રી અને રાજ્યપાલને પણ મળીશું. ગેરકાયદે બાંધકામને લઈ સરકાર ઈમ્પેક્ટ ફી લાવી ગેરકાયેદ બાંદકામ કાયદેસર કરે છે તો ગોપાલકો માટે કેમ આવી કોઈ નીતિ સરકાર નથી લાવતી?


ડુંગળી મુદ્દે શું કહ્યું હિંમતસિંહ પટેલે


હિમતસિંહ પટેલે ડુંગળીના ભાવ પર નિવેદન આપતા કહ્યું, ભાજપ સરકાર હંમેશા યુવાનો અને ખેડૂતો વિરોધી રહી છે. ખેડૂતોને ટેકાના ભાવ નથી મળતા બહારના દેશથી આપણે આયાત કરીએ છીએ તો અહીંયાના ખેડૂતોને કેમ પુરતો ભાવ ન મળે. સરકાર માત્ર કહેવા પૂરતી ખેડૂતો સાથે છે.


આગામી દિવસોમા લોકો ભાજપને તેની જ ભાષામાં જવાબ આપશે


આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ નિવેદન આપતાં કહ્યું, ભાજપની આ રણનિતી છે, કોઈ સામે પડે તો દરોડા પડાવાના, ખોટી રીતે નેતાઓને હેરાન કરવાના. આગામી દિવસોમા લોકો ભાજપને તેની જ ભાષામાં જવાબ આપશે.


હિંમતસિંહ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. વર્ષો પહેલા તેઓ અમદાવાદના મેયર તરીકે પણ રહી ચૂક્યા છે. ઉપરાંત બાપુનગરના ધારાસભ્ય રહી ચુક્યા છે. હિંમતસિંહ પટેલના પિતાનું નામ પ્રહલાદભાઈ છે. હિંમતસિંહ રખિયાલ ખાતે રહે છે. તેમના પત્નીનું નામ કેસંતીબેન છે. હિંમતસિંહનો જન્મ 1961ની 12મી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે ધો. 9 સુધી શિક્ષણ લીધું છે. તેઓએ માતૃછાયા સ્ફુલમાંથી અભ્યાસ કર્યો હતો.  


હિંમતસિંહ પટેલ નાની ઉંમરથી જ રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. કોંગ્રેસ સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. તેમણે 2014 - 2017 વિધાનસભા લડ્યા તે પહેલાં સ્થાનિક કક્ષાએ ઘણા લોકો માટે ઉપયોગી કામ કર્યા હતા. તેમણે અમદાવાદ શહેરમાં મેયર તરીકે જવાબદારી પણ ઉપાડી હતી. કોરોના કાળમાં હિંમતસિંહ પટેલ અને સેવાભાવી નાગરિકોની મદદથી ગરીબો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને વિનામૂલ્યે જમાડવામાં આવતા હતા. તે સમયે પરપ્રાંતિયો અમદાવાદ ન છોડે અને કોંગ્રેસ તેમની સાથે હોવાનું કહ્યું હતું.


2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદ પૂર્વ સીટ પર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી હતી. સામા પક્ષે ભાજપે પરેશ રાવલને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં હિંમતસિંહ પટેલ 326,633 જેટલા મતથી હારી ગયા હતા. 2014માં આ જીતની સાથે જ લોકસભા 2014માં અમદાવાદ પૂર્વ સીટ પર ભાજપનો વોટશેર 10.92 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર 7.82 ટકાથી ઘટ્યો હતો. ભાજપના ઉમેદવાર પરેશ રાવલને કુલ 633,582 વોટ મળ્યા હતા.