Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નથી. પરંતુ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.  આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે અને ઠંડીમાં આંશિક રાહત મળશે. ભેજમાં વધારો થવાથી ઠંડીમાં ઘટાડો થશે.



 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 15 ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગો સુધીમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષ થવાની શકયતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાદળો પણ આવશે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થાય અને અરબી સમુદ્રની હલચલ 15 ડિસેમ્બર સુધીમાં ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. 24 કલાકમાં વાદળો ઉત્તર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં આવી શકે છે.


આગળ તેમણે કહ્યું કે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે પરંતુ તેની કોઇ અસર ગુજરાત કે તેની આસપાસના વિસ્તારોમાં થવાની શક્યતા નથી. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ વરસાદની કોઇ આગાહી નથી.  




ભારતમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં શિયાળામાં અત્યંત ઠંડી અને ઉનાળામાં અત્યંત ગરમી હોય છે. રાજસ્થાનને ગરમ રાજ્ય તરીકે જોવામાં આવે છે, પરંતુ એવા ઘણા વિસ્તારો છે જ્યાં શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે. આમાંનો એક વિસ્તાર ચુરુ છે. ચુરુમાં એટલી ઠંડી છે કે રાત્રે તાપમાન માઈનસ થઈ જાય છે. વર્ષ 2022માં 27 ડિસેમ્બરના હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, ચુરુનું તાપમાન ન્યૂનતમ -0.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જ્યારે, ત્યાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન 28 ડિસેમ્બર 1973ના રોજ નોંધાયું હતું અને તે -4.6 ડિગ્રી સેલ્સિયસ હતું. શિયાળાની સાથે ચુરુમાં પણ આકરી ગરમીનો અનુભવ થાય છે. ઉનાળામાં આ શહેર ભઠ્ઠી બની જાય છે. અહીં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. જૂન 2021 માં, તે મહત્તમ 51 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ જ કારણ છે કે આ શહેરના લોકો શિયાળામાં ઠંડી અને ઉનાળામાં તીવ્ર ગરમીથી પીડાય છે.