Ahmedabad News: અમદાવાદ શહેર ભાજપની મોટી ભૂલ સામે આવી છે. અમદાવાદ ભાજપની બૃહદ કારોબારી બેઠકમાં પ્રભારીને જ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આમંત્રણ ન મળતા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ અકળાયા હતા. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે બેઠક સ્થળે પહોંચતા જ ઉભરો ઠાલવ્યો હતો. તેમણે શહેર પ્રમુખ અને ધારાસભ્ય અમિત શાહને આમંત્રણ ન આપવા બદલ ઠપકો આપ્યો હતો. બીજી વખત આવી ભૂલ નહિ થાય તેવી ખાતરી અમિત શાહે આપી હતી. હવે નાનામાં નાની બેઠકની પણ જાણ કરવામાં આવશે તેવી પ્રભારી મંત્રીને ખાતરી આપવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીઓને લઇને બ્યૂગલ ફૂંકી દીધુ છે, ભાજપે ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો મેગા લીડથી જીતવા માટે કમર કરી છે, ત્યારે આ અંતર્ગત આજે ગાંધીનગરમાં અમદાવાદ ભાજપની બૃહદ કારોબારીની બેઠક યોજાવવાાની છે. આ બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. આમાં તમામ પ્રકારના મુદ્દાઓને ચર્ચામાં લેવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આજે બીજેપી મેગા બેઠક યોજીને લોકસભાને લઇને રણનીતિ બનાવશે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં અમદાવાદ ભાજપની બૃહદ કારોબારી બેઠક યોજાશે. લોકસભાની આગામી ચૂંટણી માટે આજે અમદાવાદ શહેર ભાજપની મહત્વની બેઠક મળશે. લોકસભાની ચૂંટણીમાં 5 લાખની સરસાઇથી બેઠક જીતવા પાટિલ લીડમંત્ર આપશે. મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન બાદ હવે કારોબારી સમિતિની બેઠકોનો દોર શરૂ થયો છે. આજની બેઠકમાં સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો બેઠકમાં હાજર રહેશે. આ ઉપરાંત કૉર્પોરેટર, પૂર્વ કૉર્પોરેટર, વૉર્ડ પ્રમુખ, સેક્ટર અને ક્લસ્ટરની જવાબદારી સંભાળતા પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં પેજ કમિટી અને બૂથ કમિટી ઉપર વધુ ભાર આપવામાં આવશે. મતદારોના ડેટા ભાજપ દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે, તેનો ક્યારે અને શું ઉપયોગ કરવો તે અંગેની સૂચના આપવામાં આવશે. જે બૂથ ભાજપ માટે નબળા છે ત્યાં વધુ મહેનત અને જે બૂથ મજબૂત છે તે જળવાઈ રહે અને તેમાં મતનો ઉમેરો થાય તેવા પ્રયાસ કરવા માર્ગદર્શન આપશે. દરેક ધારાસભ્યોને તેમને વિધાનસભામાં મળેલા મત લોકસભામાં ડબલ કરવાનો ટાર્ગેટ પૂરો કરવા માર્ગદર્શન આપશે.
ગુજરાતમાં 26 સીટની હેટ્રિક લાગશે કે નહીં?
2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતે લોકસભાની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 સીટ કબ્જે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત પ્રચંડ વિજય મેળવ્યો હતો. ભાજપે 303 સીટ જીતી હતી, જ્યારે તેના નેતૃત્વવાળા ગઠબંધન NDAએ લોકસભાની 542 બેઠકમાંથી 354 પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને 90 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસે 52 અને DMKએ 23 સીટ પર વિજય મેળવ્યો હતો. 2019માં કુલ 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મે 2019ના રોજ તમામ 543 બેઠકોના પરિણામ જાહેર થયા હતા. રાજકીય રીતે અત્યંત મહત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં 2019માં ભાજપે 62 સીટ જીતી હતી, જ્યારે તેના સહયોગી પક્ષ અપના દલે 2 સીટ પર વિજય મેળવ્યો છે, આ રીતે NDAનો કુલ આંકડો 64 થયો હતો. આ ગઠબંધન ઉપરાંત સમાજવાદી પાર્ટીએ 5, બસપાએ 10 સીટ પર વિજય મેળવ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકોપર વિજય મેળવ્યો હતો.