Ahmedabad News: રાજ્યમાં જુગારનું વધતા જતા દુષણને રોકવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, આજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી વધુ એક મોટા જુગારધામ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન ચલાવીને 25થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે, આ તમામ જુગારીઓ એક જીમખાનામાં ભેગા થઇને જુગાર રમી રહ્યાં હતા. 


મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી, આ બાતમીના આધારે શહેરના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં પોલીસે અચાનક દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચે 25 જુગારીઓને રંગે હાથ જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. ખાસ વાત છે કે, આ દરોડામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગોવિંદ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે મનપસંદ જીમખાનમાંથી જુગારના હિસાબની ચિઠ્ઠીઓ અને રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા, આ પહેલા પણ જીમખાનામાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઇ ચૂકી છે. મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ વખત દરોડા પડ્યા છે, પરંતુ દરોડા બાદ આરોપીઓ મોટું સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમતું કરી નાખે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચે રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો મળીને લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 1 મહિનામાં 2 મોટી રેડ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મનપસંદ જીમખાનાના માલિકો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 


ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ


સુરતમાંથી ફરી એકવાર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના કતારગામમાં એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ ભેગા મળીને દુષ્કર્મ આચર્યુ છે. હાલ બન્ને આરોપીએ પોલીસની પકડમાં છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેર ફરી એકવાર દુષ્કર્મની શર્મસાર થયુ છે. સુરતના કતારગામમાં રહેતી એક 13 વર્ષીય વિદ્યાર્થિની પર બે મિત્રોએ દુષ્કર્મ આચર્યુ છે, સૌથી પહેલા બન્ને યુવકોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 13 વર્ષીય વિદ્યાર્થિની જે ધોરણ 8માં અભ્યાસ કરી રહી છે, તેની સાથે મિત્રતા કેળવી હતી, આ પછી બન્ને યુવકોએ તેને શહેરના મગદલ્લા વિસ્તારમાં એક મકાનમાં બોલાવી હતી, જ્યાં બન્ને યુવકોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, આ ઘટનાની જાણ વિદ્યાર્થિનીના પરિવારને થઇ જતાં વિદ્યાર્થિનીની માતાએ શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આ બન્ને યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ બન્ને આરોપી યુવકોને ઝડપી પાડ્યા છે, આ કેસમાં પોલીસે આરોપી અભય બોરડ, હિરેન હરેશ સોલંકીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આડા સંબંધમાં હત્યા, પત્નીની સામે જ પતિએ તેના પ્રેમીની છરો મારીને કરી હત્યા


અમદાવાદમાં આડા સંબંધના કારણે હત્યાની ઘટના ઘટી છે, પતિએ પોતાની પત્નીના પ્રેમીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ મામલે હવે પોલીસ આગળની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતા એક દંપતિ વિવાદમાં આવ્યુ છે. અહીં પતિને પોતાની પત્ની પર પરપુરુષ સાથે પ્રેમમાં હોવાની છેલ્લા કેટલાય સમયથી શંકા હતી, આ વાતને લઇને પતિની શંકા વધુ ઘેરી બની અને છેલ્લા બે દિવસથી તે પત્નીના પ્રેમી પર હુમલો કરવા માટે છરી લઇને ફરી રહ્યો હતો, જોકે, ગઇકાલે પતિને પોતાની પત્નીનો પ્રેમી અમદાવાદ ફૂલબજાર પાસે મળ્યો ત્યારે બન્ને વચ્ચે આ મામલે જોરદાર બોલાચાલી થઇ હતી. આ તકનો લાભ ઉઠાવીને પત્ની સામે જ પતિએ છરો કાઢીને પત્નીના પ્રેમી પર ઉપરાછાપરી હુમલો કરી દીધો હતો, આડા સંબંધની શંકામાં પત્નીના પ્રેમીને છરાના ઘા મારીને પતાવી દીધો હતો.