અમદાવાદઃ અમદાવાદના સેટેલાઈટની શિવરંજની સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, શિવરંજની સોસાયટીના લોકોએ આરોપ લગાવ્યો હતો કે પીજીમાં રહેતી યુવતીઓ અને યુવકો હેરાનગતિ પહોંચાડી રહ્યા છે. સોસાયટીના લોકો અને પીજીમાં રહેતી યુવતીઓ વચ્ચે ટૂંકા વસ્ત્રો પહેરવા, વાહન પાર્કિંગ અને મોડી રાત સુધી અવરજવરને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ રવિવારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો.  જેમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.


તકરારને લઈ મહિલાઓનો આરોપ છે કે પીજીમાં રહેતા યુવક-યુવતીઓ દૂષણ ફેલાવી રહ્યા છે. અને મોડી રાત સુધી અવરજવર કરતા પરેશાની થઈ રહી છે. તો આ તરફ યુવતીઓનો આરોપ છે કે રહીશો તરફથી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. આ સમગ્ર મુદ્દે બંન્ને પક્ષોએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

સોસાયટીમાં મોડી રાત સુધી બેઠકો યોજાઇ હતી. સોસાયટીના લોકોનું કહેવું છે કે યુવતીઓના ટૂંકા કપડા પહેરવાને કારણે લોકો પરેશાન છે. રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી છોકરા છોકરીઓ અવર જવર કરતા હોવાથી સોસાયટીના લોકોને હેરાનગતિ થઇ રહી છે. પીજીમાં મોડી રાત્રે ઓનલાઇન જમવાનુ પણ મંગાવવામાં આવે છે જેના કારણે બહારના લોકો પણ સોસાયટીમાં આવે છે. ભૂતકાળમાં સોસાયટીમાં ચોરીના બનાવો બન્યા છે. પીજીમાં રહેતા યુવક-યુવતીઓએ પણ સોસાયટીના લોકો વિરુદ્ધ  પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેમાં તેમને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.