Ahmedabad: અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું પકડાયું હતું. મંગળવારે વહેલી સવારે એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંથી આવેલા ત્રણ મુસાફરને કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટે ઝડપી લીધા હતા. મુસાફરોએ પર બેલ્ટમાં 23 કિલો સોનાની પેસ્ટ બનાવીને લાવ્યા હતા. શારજહાંથી આવેલા મુસાફરોની મોડસ ઓપરેન્ડીથી અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. ભારતીય બજારોમાં આ સોનાનો ભાવ આશરે રૂ.13 કરોડ છે.


એર અરેબિયાની ફલાઇટમાં શારજહાંની ફલાઇટ વહેલી સવારે 3.50 વાગે અમદાવારમાં લેન્ડ થઇ હતી. તેમાં સવાર ત્રણ મુસાફર ઇમિગ્રેશન કરાવીને કન્વેયર બેલ્ટ પરથી લગેજ લઇને કસ્ટમ્સ તરફ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકાસ્પદ હિલચાલના આધારે તેમને અટકાવ્યા હતા. આ ત્રણેયની પૂછપરછ કરાતા તેઓ મૂંઝાઇ ગયા હતા અને યોગ્ય જવાબો આપી ન શકતા અધિકારીઓને વધુ શંકા ગઇ હતી. એટલે તે ત્રણેયની બેગ ખોલીને તપાસ કરી હતી, પરંતુ કશું નહીં મળતા તેમને મેટલ ડિટેક્ટરમાંથી પસાર કરીને ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન બીપ અવાજ આવતા બે મુસાફરે કમરમાં પહેરેલા બેલ્ટમાં સોનાની 23 કિલો પેસ્ટ મળી આવી હતી.


થોડા સમય પહેલા મુંબઇ એરપોર્ટ પર એક મુસાફર 61 કિલો સોનુ બેલ્ટમાં છુપાવીને લાવ્યો હતો. હવે આ જ મોડસ ઓપરેન્ડીથી અમદાવાદ એરપોર્ટ પર લવાયેલું સોનુ ઝડપી લેવાયું છે.


ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું નિધન


ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું નિધન થયું છે. તેઓ 64 વર્ષના હતા. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું. આજે (બુધવાર) બપોરે 1 વાગ્યે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વાઇસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરનું અકાળે અવસાન થયું છે. આ માહિતી આપતા અમને ખૂબ જ દુઃખ થાય છે. દુઃખની આ ઘડીમાં અમે દરેકને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા વિનંતી કરીએ છીએ. બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તે વિક્રમના આઘાતજનક અવસાનથી આઘાતમાં છે. તે આવા પ્રિય અને સાચા મિત્ર હતા જેને હું ખૂબ જ યાદ કરીશ. હું તેમની પત્ની ગીતાંજલિ અને પુત્રી માનસી અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.