અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)ના તમામ ટુ-વ્હીલર (Two Wheeler) અને ફોર-વ્હીલર (Four Wheeler) ચલાવનારા લોકો માટે મહત્વના સમાચાર છે કે, અમદાવાદ પોલીસ કમિશ્નરે (Police Commissioner) ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોની સ્પીડ લિમિટ (Vehicle Speed Limit) અંગે જાહેરનામું બહાર પાડ્યું આ જાહેરનામા પ્રમાણે શહેરી વિસ્તારમાં ટુ વ્હીલર ચાલકો મહત્તમ 60 કિલોમીટર પ્રતિ કલાક અને ફોર વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વાહન હંકારવુ પડશે. ટ્રાન્સપોર્ટેશન વ્હીકલો શહેરી વિસ્તારમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચલાવી શકાશે. જો સ્પીડ વધુ હશે તો ટ્રાફિક પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે અને આકરો દંડ ફટકારશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સ્પીડ લિમિટનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70 કિલોમીટર પ્રતિ કલાક, ટ્રાન્સપોર્ટેશનવાળા વ્હીકલ 60 કિલોમીટર પ્રતિ કલાક, ટ્રેક્ટર 30 કિલોમીટર પ્રતિ કલાક, ટુ વ્હીલર 60 કિલોમીટર પ્રતિ કલાક અને કાર 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે હંકારી શકાશે. આ ઉપરાંત કેબ માટે 50 કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેશન તેમજ આઠ કરતાં વધુ મુસાફરો વાળા વ્હીકલોની સ્પીડ ઓછી રખાઈ છે કારણ કે આવા વ્હીકલથી અકસ્માતની સંભાવના વધુ રહે છે. જેના કારણે નિર્દોષ લોકોના મોત નિપજે છે.
ગુજરાતમાં (Gujarat) 2017 દરમિયાન 18 હજાર 81 માર્ગ અકસ્માત (Road Accident) થયા હતા અને 7289 વ્યક્તિનાં મોત થયાં હતાં. ભારતમાં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10મા ક્રમે છે. ગુજરાતમાં હિટ એન્ડ રનને (Heat and Run) લીધે અકસ્માતના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો થયો છે. ગુજરાતમાં હિટ એન્ડ રન અર્થાત અકસ્માત કરીને ભાગી છુટવાની ઘટનાઓ વધી છે, આ પ્રકારના અકસ્માતોમાં દરરોજ સરેરાશ ત્રણથી વધુ નાગરિકોના મોત થઈ રહ્યા છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં 11 હજાર 411 હિટ એન્ડ રનના પોલીસ કેસ નોંધાયા છે, જેના અડધો અડધ કેસમાં 5570 આરોપી વાહન ચાલકો, માલિકોને પોલીસ હજી સુધી પકડી શકી નથી.
ગુજરાતમાં સૌથી વધુ ફ્લાય ઓવર બ્રિજ ધરાવતા સુરત શહેર અને જિલ્લામાં જ પાંચ વર્ષમાં હિટ એન્ડ રનમાં સૌથી વધુ 1254 નાગરિકોને જીવ ગુમાવ્યા છે. સુરત શહેર અને જિલ્લાની પોલીસ અકસ્માતો કરીને છુમંતર થયેલા 1642 આરોપીઓને પકડી પણ શકી નથી. સુરત બાદ હિટ એન્ડ રનમાં સૌથી વધુ અમદાવાદમાં 945 નાગરિકોના મોત થયા છે.