અમદાવાદ (Ahmedabad) IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. IIM કેંપસમાં 40 લોકો કોરોના (Corona Virus)ની ઝપેટમાં આવ્યા છે. જેમાં 38 વિદ્યાર્થી અને 2 પ્રોફેસર સામેલ છે. ચોંકાવનારી વાત તો એ છે કે, 5 વિદ્યાર્થીઓની બેદરકારીના કારણે IIMમાં કોરોના વિસ્ફોટ થયો છે. આ દાવો કર્યો છે આરોગ્ય અધિકારીએ. બન્યું એમ કે 12 માર્ચના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા 6 વિદ્યાર્થીઓ ગયા હતા. જેમાંથી 5 વિદ્યર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.


મહત્ત્વનું એ છે કે આ 5 વિદ્યાર્થીઓએ કોરોના પોઝિટિવ હોવાની વાત છુપાવી હતી અને કેન્પસમાં બિન્દાસ્ત રીતે ફરતા રહ્યા. એટલું જ નહીં તેમણે પરીક્ષા પણ આપી હતી. પાંચેય વિદ્યાર્થીઓએ રિપોર્ટમાં IIMના સ્થાને પોતાના વતનનું સરનામું લખાવ્યું હતું. બસ પછી આ 5 વિદ્યાર્થીઓની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક આખા કેમ્પસમાં કુલ 40 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા. જેને લઈ IIM કેંપસમાં 10 થી વધુ ડોમને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.


એબીપી અસ્મિતાના અહેવાલ બાદ IIM અમદાવાદની પ્રતિક્રિયા આવી છે. IIMએ કોર્પોરેશને લગાવેલા આરોપોને ફગાવી દીધા છે અને એવો દાવો કર્યો કે કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા જ નથી આપી. પોઝિટિવ રિપોર્ટ આવતા જ વિદ્યાર્થીઓને ક્વોરંટાઈન હોસ્ટેલમાં જવાની સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એક કલાકમાં હોસ્ટેલમાં ખસેડાયા અને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હોવાનો દાવો પણ IIM અમદાવાદ તરફથી કરવામાં આવ્યો છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2190 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  ગુરુવારે રાજ્યમાં 1961 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.


રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10134 પર પહોંચ્યા છે. જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4,  અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4479 લોકોના કોરોનાથી મોત થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25,  નર્મદા-25,  રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં ગઈકાલે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.