Ahmedabad Police: આજે ગૃહ મંત્રી અમિત શાહ દ્રારા અમદાવાદ પોલીસ માટે એઆઈ ટેકનોલોજીથી સજ્જ આધુનિક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જે રીયલ ટાઈમ મોનિટરીંગમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. જેના ઉપયોગ વડે ગુનાહિત પ્રવૃતિઓને રોકી શકાશે.
આ સેન્ટર જાહેર સુરક્ષામાં વધારો કરશે અને પોલીસની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરશે. સેન્ટરની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે દરેક અધિકારી પાસે ત્રણ મોનીટર હોય છે, જેના દ્વારા એક જ સમયે જુદી જુદી ત્રણ જગ્યાનું મોનિટરીંગ કરી શકાય છે.
સૌથી રસપ્રદ એ છે કે હવે અમદાવાદ પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. આ નવી ટેકનોલોજીની મદદથી પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી શકે છે અને ગુનેગારોને તાત્કાલિક શોધી શકે છે. અમદાવાદ પોલીસે સુરક્ષાને મજબૂત કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ટેક્નોલોજીથી સજ્જ અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું છે.
શું કહ્યું અમદાવાદ પોલીશ કમિશનરે?
આ અવસરે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક(GS Malik) એ કહ્યું કે, જો કોઈ વોન્ટેડ ગુનેગાર શહેરમાં ફરતો હોય, તો અમે અહીં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને તપાસી અને ટ્રેક કરી શકીએ છીએ.
પોલીસ કમિશનર કચેરી ભવનનું ઉદ્ઘાટન
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમદાવાદ ખાતે નવનિર્મિત પોલીસ કમિશનર કચેરી ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સિનિયર આઇપીએસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. નવી પોલીસ કમિશ્નર કચેરીના તમામ માળ પર સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને સેન્ટ્રલાઇઝડ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે.
સામાન્ય લોકોની સુવિધા અને તેમની સાથે સુચારૂ સંવાદ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્રની સુવિધા શરૂ કરવામાં આવી છે.
જૂની કચેરીમાં પાર્કિંગની સમસ્યા બહુ મોટી હતી, એટલે નવા ભવનના નિર્માણમાં પાર્કિંગની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. આખા ભવનમાં 24 કલાક નિબંધ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જનરેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત અહીં કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સખી મંડળની બહેનો આ કેન્ટીનનું સંચાલન કરશે. શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, રુપિયા 146 કરોડના ખર્ચે 18,068.45 ચોરસ મીટર વિસ્તારમાં નવનિર્મિત ભવન બનાવવામાં આવ્યું છે. વર્ષ 2018માં નવા ભવનના નિર્માણનું કાર્ય શરૂ થઈ ગયું હતું.
આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ
કચેરીને એડવાન્સ કોમ્યુનિકેશન નેટવર્ક સાથે એકીકૃત કરવામાં આવી છે. રિયલ ટાઇમ મોનિટરિંગ અને ઘટનાઓ પર પ્રતિક્રિયા સંભવ થઈ શકશે. કચેરીમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ, વીડિયો સમરાઇઝેશન, વીડિયો એનાલિટિક્સ, ડેટા સેન્ટર, ઇમરજન્સી કૉલ બોક્સ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વન સિટી એપ જેવી અનેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કચેરીને વીડિયો વૉલ, વીડિયો વોલ કંટ્રોલર, ડેટા સેન્ટર અને નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટવેર અને એપ્લીકેશન જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.
આ ઉપરાંત કોન્ફરન્સ હોલ, જીમ, વાઇફાઇ, સોલારની સુવિધા પણ રાખવામાં આવી છે. ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે, 100 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનું કામ પ્રગતિમાં છે.
આ પણ વાંચો...