Ahmedabad Air Pollution: સમગ્રમાં બે-ત્રણ દિવસથી પ્રદુષણનું સ્તર ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં પ્રદુષણનુ સ્તર ભયજનક સપાટી પર પહોંચ્યુ છે. ઇથોપિયાના જ્વાળામુખીના ગુબાર અને પ્રદુષણના કારણે આજે અમદાવાદની હવા ઝેરી બની છે. પ્રદુષણનું સ્તર અને AQI ચિંતાજનક સ્થિતિમાં છે. હાલમાં અમદાવાદનું AQI 195થી ઉપર પહોંચ્યુ છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફો પડી રહી છે.
ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે જ હવાની ગુણવત્તામાં ભારે બગાડ જોવા મળી રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. તાજા રિપોર્ટ પ્રમાણે, જ્વાળામુખીના ગુબાર અને પ્રદૂષણના પાપે હવા ઝેરી બની રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં અત્યારે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. અમદાવાદમાં AQI અતિ ભયજનક સ્તરે છે. સાયન્સ સિટી વિસ્તારમાં AQI 195 પર પહોંચ્યો છે, જ્યારે પીરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારમાં AQI 180 અને નારોલ અને વેજલપુરમાં AQI 170 અને 175 નોંધાયો છે.
તાજેતરના આંકડા મુજબ, ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 193 સુધી પહોંચી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. સામાન્ય રીતે AQI 150 થી ઉપર જાય ત્યારે તે લોકોના આરોગ્ય માટે 'ઘાતક' સાબિત થાય છે. રાજ્યના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોમાં વાહનોના ધુમાડા અને ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણને કારણે હવામાં ઝેર ભળી રહ્યું છે. ખાસ કરીને ચીખલી, દમણ, અમદાવાદ અને અંકલેશ્વર જેવા શહેરોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે.
ગુજરાતના આ શહેરોમાં 'રેડ એલર્ટ' જેવી સ્થિતિ
રાજ્યમાં વધતા પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી દીધી છે. ઔદ્યોગિક એકમો અને સતત વધતા વાહનોને કારણે રાજ્યના 8 જેટલા મુખ્ય શહેરોનો એર ક્વોલીટી ઇન્ડેક્સ જોખમી સપાટીએ પહોંચ્યો છે.
સૌથી પ્રદૂષિત શહેરો: રાજ્યમાં સૌથી ખરાબ હવા દક્ષિણ ગુજરાતના ચીખલીમાં નોંધાઈ છે, જ્યાં AQI 227 પર પહોંચ્યો છે. તેના પછી સંઘપ્રદેશ દમણનો ક્રમ આવે છે, જ્યાં આંકડો 213 નોંધાયો છે.
અમદાવાદ અને અંકલેશ્વર: મેગા સિટી અમદાવાદમાં પણ હવાની ગુણવત્તા બગડી છે અને અહીં AQI 195 પર પહોંચ્યો છે. રસાયણ નગરી ગણાતા ભરૂચના અંકલેશ્વરમાં પણ પ્રદૂષણનું સ્તર 195 ને પાર કરી ગયું છે, જે અત્યંત ચિંતાજનક છે.
ભાવનગર: સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ પ્રદૂષણનો ગ્રાફ ઉપર ગયો છે, જ્યાં AQI 172 નોંધવામાં આવ્યો છે.
જ્યારે એર ક્વોલીટી ઇન્ડેક્સ 150 થી વધી જાય છે, ત્યારે તે સામાન્ય નાગરિકો માટે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરી શકે છે.