અમદાવાદ: મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી અને ઐતિહાસિક દાંડી કૂચની 90મી જયંતીની ઉજવણી સમયે જ ગુજરાત કોંગ્રેસ દ્વારા 12મી માર્ચે ‘ગાંધી સંદેશ યાત્રા’નો પ્રારંભ થશે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ પદયાત્રાને પ્રસ્થાન કરાવશે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ જોડાશે.


રાહુલ ગાંધી આશ્રમથી ચંડોળા સુધી એટલે કે 9થી 10 કિ.મી. પદયાત્રામાં જોડાશે જેમાં અલગ અલગ 11 સ્થળો ઉપર સ્વાગત થશે. 26 દિવસ સુધી ચાલનારી આ પદયાત્રા 386 કિ.મી.નું અંતર કાપીને 6 એપ્રિલના રોજ દાંડી પહોંચશે.

સવારે સાડા સાત વાગ્યા આસપાસ ગાંધી આશ્રમમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભા યોજાશે ત્યાર બાદ રાહુલ આ પદયાત્રાને પ્રસ્થાન કરાવશે. યાત્રા બપોરે ચંડોળા ખાતે પહોંચશે, જ્યાં વિરામ કરશે. રાહુલ ગાંધી ચંડોળા સુધી પદયાત્રામાં સામેલ થશે.

પહેલાં દિવસે યાત્રા અસલાલી ખાતે રાત્રિ રોકાણ કરશે, બીજા દિવસે રાત્રિરોકાણ નવાગામ, ત્રીજા દિવસે માતર રહેશે. યાત્રા ૫મી એપ્રિલની રાતે દાંડી પહોંચી જવાની છે, છઠ્ઠી એપ્રિલે દાંડી ખાતે જાહેર સભાની સાથે યાત્રાનું સમાપન થશે.

કોંગ્રેસે યાત્રાનો રૂટ જાહેર કર્યો છે તે મુજબ પદયાત્રા 13મી માર્ચે અસલાલી, 14મીએ નવા ગામ, 15મીએ માતર, 16મીએ નડિયાદ, 18મીએ આણંદ, 19મીએ બોરસદ, 23મીએ આમોદ, 26મીએ દેરોલ, 27મીએ અંકલેશ્વર, 28મીએ માંગરોળ, 29મીએ ઉમરેલી, 30મીએ ભાટગામ, પહેલી એપ્રિલે દેળાદ, બીજી એપ્રિલે સુરત, ત્રીજીએ વાંઝ, ચોથી એપ્રિલે નવસારી, પાંચમીએ કરાળી પહોંચશે, પાંચમીએ દાંડી ખાતે રાત્રિ રોકાણ કરશે.