રવિવારે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. દૂધેશ્વર વિસ્તારમાં રાતે 9 વાગ્યા સુધીમાં એક ઈંચ તો ઉસ્માનપુરામાં 20 મીમી વરસાદ નોંધાયો હતો.


શહેરના વાળીનાથ ચોક, નારણપુરા જેવા વિસ્તારોમાં હળવા વરસાદ પડ્યાં હોવા છતાં રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. રાતે 9 વાગે સુધીમાં અમદાવાદમાં સરેરાશ 5.85 મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 38.23 ઈંચ થવા પામ્યો હતો.

રવિવારે અમદાવાદમાં સાંજે 6 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા દૂધેશ્વરમાં એક ઈંચ ઉપરાંત એટલે કે 29.50 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ઉસ્માનપુરામાં 20 મીમી, ગોતામાં 7.50 મીમી જ્યારે દાણાપીઠ વિસ્તારમાં 7.50 મીમી વરસાદ રવિવારે શહેરના ગોતા, ઘાટલોડિયા, નારણપુરા, શાસ્ત્રીનગરની સાથે ઉત્તર ઝોનના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની વચ્ચે પણ વરસાદી પાણી રોડ પર ભરાયા હોવાનુ જાણવા મળ્યું હતું.

રવિવારે રાતે નવ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 5.85 મીમી વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 970.89 મીમી એટલે કે 38.23 ઈંચ થવા પામ્યો છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના બે દરવાજા દોઢથી બે ઈંચ જેટલા ખોલવામાં આવ્યા હતા.