Latest Ahmedabad Rain Updates: ગુજરાત ઉપર સક્રિય થયેલી વરસાદની સિસ્ટમને પગલે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે બપોર બાદ અમદાવાદના (Ahmedabad Rain) વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા. અમદાવાદમાં વરસાદના કારણે વાસણા બેરેજના (vasna barrage) 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. શહેરના મેમ્કો (memco) વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. મેમ્કોમાં 2.52 ઈંચ અને ઓઢવ તથા દુધેશ્વર વિસ્તારમાં 1.51 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં સિઝનનો કુલ 9.57 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં (east zone) અને ઉત્તર ઝોનમાં (north zone) નોંધાયો હતો.
અમદાવાદના સરસપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે. વોરાના રોજા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સાંજના સમયે ઘરે પરત ફરતા નોકરિયાત વર્ગને પરેશાન થવાનો વારો આવ્યો હતો. આ સિવાય હાટકેશ્વર, મણિનગર, ઓઢવ, નિકોલ, નરોડા, ઠક્કરનગર સહિત પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદ છે. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.
16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.
18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.