IMD Now Cast: હવામાન વિભાગ દ્વારા નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, વડોદરા, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, દીવ, પોરબંદર, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે.


છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નવસારી જિલ્લાના ગણદેવીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આઠ તાલુકામાં 100થી 156 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન છે. જેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ મેદાની વિસ્તારો તરફ આવી રહ્યો છે. ઉપરાંત, ગુજરાતના દરિયાકાંઠેથી ઉત્તર કેરળના દરિયાકાંઠે ટ્રફ લાઇન સક્રિય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ હવામાન પ્રણાલીની અસરને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.


હવામાન વિભાગે 15થી 18 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ 15 જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે 16થી 18 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ફરી ભારે વરસાદ જોવા મળશે. આ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે


અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યું છે. અમદાવાદના મણિનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  જયહિંદ ચાર રસ્તા, રામબાગ, મણિનગર રેલવે સ્ટેશન પાસે વરસાદ વરસ્યો છે.  એરપોર્ટ સર્કલ, શાહીબાગ, ઈન્દિરા બ્રીજ, આશ્રમ રોડ, ભાટ ગામ, સરદારનગર અને લાલ દરવાજા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે.  રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા લોકો વાહનોને ધક્કા મારવા મજબૂર બન્યા હતા. અમદાવાદમાં વહેલી સવારથી પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વધુ વરસાદ વરસ્યો છે.