Ahmedabad rains: રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન, અમદાવાદ શહેરમાં બુધવાર (18મી જૂન)ની રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ માત્ર 4 ઇંચ જેટલા વરસાદે જ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી મધુમાલતી આવાસ યોજનાની પોલ ખોલી નાખી હતી. વરસાદી પાણી સોસાયટીના મકાનોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે એક દુઃખદ ઘટના બની હતી જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

એમ્બ્યુલન્સ ન પહોંચી શકી, જીવ ગયો

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે રાત્રે અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નિકોલના મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. આ આવાસ યોજનાના બ્લોક નંબર 9માં રહેતા જીતુભાઈ પંડ્યાના ઘરમાં પણ પાણી ભરાઈ જતાં, તેમનો પગ લપસી પડ્યો અને તેઓ પાણીમાં પડી ગયા.

પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી, પરંતુ ભારે વરસાદના લીધે ભરાયેલા પાણીને કારણે એમ્બ્યુલન્સ સોસાયટીમાં અંદર સુધી પહોંચી શકી નહીં. ચારે બાજુ પાણી જ પાણી હોવાથી, સ્થાનિકોએ જીતુભાઈને લારીમાં બેસાડીને માંડ-માંડ બહાર રોડ પર ઊભેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. જોકે, એમ્બ્યુલન્સ કર્મચારીએ તપાસ કરતાં જીતુભાઈનું નિધન થયું હોવાનું જણાવ્યું, આ સાંભળીને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. સમયસર સારવાર ન મળતાં જીતુભાઈનો જીવ ગયો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.

તંત્રની બેદરકારી અને શહેરીજનોની હાલાકી

ઉલ્લેખનીય છે કે દર વર્ષે અમદાવાદમાં સામાન્ય વરસાદ ખાબકતાં જ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના મુખ્ય માર્ગો અને રોડ-રસ્તા પર પાણી ફરી વળતાં વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે. તેમ છતાં, તંત્રની ઊંઘ ઊડતી નથી અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી નથી.

મોડી રાત્રે પડેલા વરસાદના લીધે એસ.જી. હાઈવે, જોધપુર, વેજલપુર, વસ્ત્રાપુર, નહેરુનગર, પાલડી, વાસણા, જુહાપુરા, મકરબા, સરખેજ, નવાપુરા, ચાંગોદર, સાણંદ, બોપલ, શેલા અને શિલજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક અંડરપાસમાં પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. નિકોલના મધુમાલતી આવાસમાં બનેલી આ કરુણ ઘટનાએ શહેરના વરસાદી પાણીના નિકાલની બિનકાર્યક્ષમ વ્યવસ્થા અને તંત્રની લાપરવાહીને ફરી એકવાર છતી કરી છે.