Ahmedabad Rath Yatra Live: 148મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: રાત્રે 9:30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા
Ahmedabad Rath Yatra Live: વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું
બ્રેકગ્રાઉન્ડ
Ahmedabad Rath Yatra Live: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારના 4 વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે....More
જગન્નાથજી મંદિર, અમદાવાદ દ્વારા આયોજિત 148મી ભવ્ય રથયાત્રા આજે રાત્રિના 9:30 કલાકે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથ લાંબી નગરચર્યા બાદ સકુશળ નિજ મંદિર પરત ફર્યા હતા. રથોના નિજ મંદિર પરત ફરતાની સાથે જ વાતાવરણ "જય રણછોડ, માખણચોર" ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું, જે ભક્તિ અને શ્રદ્ધાના અદ્ભુત સંગમનો અનુભવ કરાવતો હતો.
ભગવાન જગન્નાથના રથ હાલ કાલુપુરથી નીજ મંદિર તરફ જઈ રહ્યા છે. ગજરાજના પ્રસ્થાન પછી ટ્ર્ક, અખાડા, ભજન મંડળી અને રથ નિજમંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા મોસાળથી નીજ મંદિર જવા માટે રવાના થઈ છે. જેમા રસ્તામાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રથયાત્રાનું સરસપુરથી કાલુપુર તરફ પ્રયાણ થયું છે. સરસપુરમાં ભાવભેર ભગવાન જગન્નાથ જમ્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામને ભોગ ધરાવાયો.ભગવાનના રથનું સરસપુરથી નિજ મંદિર તરફ પ્રયાણ. સરસપુરમાં ભગવાનના આગમનથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
અષાઢી બીજના દિવસે સરસપુરમાં રથયાત્રાના વધામણાં થાય છે, ત્યારે જેટલા પણ હરિભક્તો અહીંયાં જોડાય છે, તેમના માટે ખાસ કરીને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને સરસપુરની દરેક ગલીઓ, દરેક શેરીઓ જાણે રસોડામાં ફેરવાઈ જતી હોય છે અને જેટલા પણ હરિભક્તો અહીંયાં આવે છે, તેમના માટે જાતજાતના અને ભાતભાતના ભોજનનો સ્ટોલ પીરસવામાં આવે છે. અત્યારે અમે લોકો સરસપુરની સૌથી મોટી શેરી, એટલે કે લુહારની શેરીમાં આવી ગયા છીએ. છેલ્લા 48 વર્ષથી અહીંયાં રથયાત્રાના દિવસે જેટલા પણ હરિભક્તો જોડાય છે, તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં મોહનથાળ, શાક, પૂરીનું આયોજન કરવામાં આવે છે.
આયોજક પ્રવીણભાઈએ કહ્યું હતું કે, છેલ્લા 48 વર્ષથી આ પ્રભુ પ્રસાદનું આયોજન કરીએ છીએ. લગભગ 15 હજાર હરિભક્તો આ પ્રસાદનો લાભ લેતા હોય છે. દર વર્ષની જેમ આ વખતે પણ અમે 15 દિવસ પહેલાં જ અમારું આયોજન કરીએ છીએ, પણ બધું ભગવાનની દયાથી એકદમ સરસ રીતે ગોઠવાયેલું હોય છે, એટલે કોઈ તકલીફ પડતી નથી. 15 હજારથી પણ વધુ જે હરિભક્તો છે, તે આ પ્રભુ પ્રસાદનો લાભ લેશે. જો કે, આ પરંપરા નરસિંહદાસજી મહારાજના સમયથી જ ચાલતી આવી છે અને આજે પણ આ પરંપરા સરસપુરવાસીઓ અવિરતપણે જાળવી રાખી છે.
અમદાવાદ રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રથયાત્રા દરમિયાન મંજૂરી વગર ઉડાવવામાં આવેલા ડ્રોનને તોડી પડાયું હતું. એન્ટી ડ્રોન કિલર ગનથી ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. આ વખતે રથયાત્રામાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. 227 કેમેરા, 70 ડ્રોનથી રથયાત્રા પર નજર રખાઈ રહી છે. ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે AIનો ઉપયોગ કરાઇ રહ્યો છે. ભીડ નિયંત્રણ માટે ડ્રોનથી રિયલટાઇમ મોનિટરિંગ કરાઇ રહ્યું છે. ભીડ નિયંત્રણ માટે MCOV નામનું સ્પેશલ વાહન તૈયાર કરાયું છે. MCOV વાન ચાલતા ફરતા કંટ્રોલ રૂમ તરીકે કામ કરશે. ડ્રોનના દ્રશ્યોથી AI ભીડના સચોટ આંકડા પ્રદાન થશે.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. રથયાત્રામાં જોડાયેલા કેટલાક ગજરાજ ભડક્યા હતા. ખાડિયા પાસે ત્રણ ગજરાજ બેકાબૂ બન્યા હતા. DJના વધુ પડતા અવાજથી ગજરાજ ભડક્યા હતા. ભડકેલા ગજરાજે પોળમાં ઘૂસી ગયા હતા.
ગજરાજ ભડકતા 10 મીનિટથી વધુ રથયાત્રા રોકવામાં આવી હતી. બેથી ત્રણ લોકોને ગજરાજે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ભડકેલા ગજરાને અન્ય રસ્તે લઈ જવાયા હતા. ગજરાજને મહાવતે કાબૂમાં લીધા હતા. રથયાત્રાના રૂટ પર સલામતીના ભાગરૂપે ડીજે બંધ કરાવાયા હતા. કાંકરિયા ઝૂના એડવાઈઝર ડોક્ટર આર.કે. શાહુએ કહ્યું હતું કે ભડકેલા ગજરાજે કોઈને ઈજા પહોંચાડી નથી. ત્રણેય ગજરાજને રથયાત્રામાંથી બહાર કરવામાં આવ્યા હતા. બેકાબૂ ગજરાજ CCTVમાં કેદ થયા હતા. ગજરાજ ભડકતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગજરાજ ભડક્યા હતા. ગજરાજને અન્ય રસ્તે લઈ જવાયા હતા. ગજરાજે એક કે બે લોકોને ઈજા પહોંચાડી હતી. ખાડિયામાં 108 બોલાવવામાં આવી હતી.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા આગળ વધી રહી છે. જમાલપુરમાં મહંત દિલીપદાસજીનું સ્વાગત કરવામા આવ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સ્વાગત કર્યું હતું. દાણાપીઠ AMC ઓફિસ ખાતે ભગવાનના રથનું પૂજન કરાશે.
રથયાત્રાના રૂટ પર AIની મદદથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ પર 10થી વધારે ટ્રક જોવા મળી રહી છે. રથયાત્રામાં અંગદાન મહાદાનનો મેસેજ આપતો ટ્રક જોડાયો હતો. AMCનો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જાગૃતિ આપવામાં આવી હતી. AMCના ટ્રકની ઝાંખીમાં 40 લાખ વૃક્ષ વાવવાનો સંદેશ અપાયો હતો.
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની પૂજા કરી ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભાબેન જૈન પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતિક બની રહી છે. મુખ્યમંત્રીએ અષાઢી બીજ નિમિત્તે દેશવિદેશમાં વસતાં સર્વે કચ્છી માંડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી, સ્થાનિક ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અન્ય મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ભગવાનના ત્રણેય રથ થોડી જ વારમાં AMC ઓફિસ પહોંચશે. AMCઓફિસ ખાતે ભગવાનના ત્રણેય રથનું પૂજન કરાશે. ગજરાજ AMC ઓફિસથી રાયપુર ચકલા જવા રવાના થયા હતા. રથયાત્રામાં સામેલ ટ્રક AMC ઓફિસથી આગળ વધી રહ્યા છે.
ગજરાજ AMC ઓફિસથી આગળ નીકળ્યા હતા. રથયાત્રામાં સામેલ ટ્રક AMC ઓફિસ પહોંચ્યા હતા.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 10 ભજન મંડળીઓ જોડાઈ હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 18 ગજરાજ રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે. 101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે. 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ટ્રકો જમાલપુર દરવાજાથી આગળ નીકળ્યા હતા.
અમદાવાદ જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાવી હતી. આ દરમિયાન તેમણે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ પહિંદવિધિ કરી હતી. પહિંદવિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કર્યો છે. આ પછી મુખ્યમંત્રીએ રથને ખેંચીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું.
Ahmedabad rath yatra 2025: આ વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. પહિંદ વિધિ પહેલાં ગુજરાત પોલીસ દ્ધારા ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરાયું હતુ. અત્યાર સુધીમાં ક્યારેય ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવતું નહોતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પણ ભગવાનના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધી કરવામાં આવી હતી. સોનાની સાવરણીથી મુખ્યમંત્રીએ પહિંદવિધી કરી હતી. મુખ્યમંત્રીએ રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પહિંદવિધી સાથે જ 148મી રથયાત્રાનો પ્રારંભ થયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધી કરશે. પહિંદવિધી સાથે 148મી રથયાત્રાનો પ્રારંભ થશે.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે જગન્નાથજીને નંદીઘોષ રથમાં, ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા છે. આ તમામ રથયાત્રા મંદિરના પ્રાંગણમાં ઉભા રાખવામાં આવ્યા છે. હવે થોડીવારમાં પહિંદવિધી કરવામાં આવશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા નીકળશે. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. નાથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈનથી સાધુ-સંતો ઉમટ્યા હતા. જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રભરમાંથી સાધુ સંતો ઉમટ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થયા હતા.
આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાશે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.