Ahmedabad Rathyatra 2023: થોડીવારમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 146મી રથયાત્રા નીકળવાની છે. થોડીવારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચશે. આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરા પ્રમાણે પહિંદવિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર પહિંદવિધિ કરશે.
અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.
વહેલી સવારે જગન્નાથ મંદિરના કપાટ ખુલ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. આજે ભગવાન કલક્કતી વાઘાથી સજ્જ જોવા મળ્યા. ભગવાન મનમોહક સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યા બન્યા છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
આજે રથયાત્રાનો પાવન પર્વ છે. ભગવાનને ખીચડીનો પ્રસાદ ધરાવાય છે. 5000 કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો છે. જેમાં 2000 કિલો ચોખા, 1000 કિલો દાળ, 6000 કિલો ઘી , 8000 કિલો ડ્રાયફ્રુટ નાખવામાં આવ્યા. સાથે ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ખીચડી સાથે કોળા ગવારનું શાક કરાય છે તૈયાર. 2000 કિલો કોળા ગવારનું શાક તૈયાર કરાયું . એક લાખ ભક્તો ખીચડી નો પ્રસાદ લેશે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, રથયાત્રામાં મેઘરાજા હળવા વરસાદી છાંટા વરસાવી શકે છે. જો કે ભારે વરસાદની શક્યતા નહીંવત છે. આગામી 5 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. હાલ વાતાવરણમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે, એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. જો કે હાલ પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો અનુભવ ઓછો થઇ શકે છે.
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ વિધાનસભા અધ્યક્ષે જગન્નાથ મંદિરે આરતી કરી હતી. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આરતી કરી ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવ્યા. જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કરાવ્યું પૂજન અને આરતી. જગન્નાથ મંદિરની આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.