Ahmedabad child trafficking case: અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાળ તસ્કરીના એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. આ ગેંગ ગુજરાતમાંથી બાળકોનું અપહરણ કરીને અન્ય રાજ્યોમાં લાખો રૂપિયામાં વેચતી હતી. ધોળકામાંથી 7 મહિનાની બાળકીના અપહરણની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી અને મહારાષ્ટ્રના ઔરંગાબાદથી માસ્ટરમાઈન્ડ મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા. બાદમાં માસ્ટરમાઇન્ડ મહિલાના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અગાઉ પણ અન્ય 4 બાળકોને વેચી ચૂકી છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદથી પોલીસે માસ્ટરમાઇન્ડ મહિલા મનીષા સોલંકી, બીનલ સોલંકી, સિદ્ધાંત ઉર્ફે સમાધાન જગતાપ અને જયેશ બેદલારને પકડી પાડ્યા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે મનીષા સોલંકીએ આ બાળકીને ₹1.5 લાખમાં વેચવાની યોજના બનાવી હતી. આ ગેંગે અગાઉ પણ 4 જેટલા બાળકોને વેચ્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસે માસ્ટરમાઇન્ડના પતિ મહેશ સોલંકીની પણ ધરપકડ કરી છે, કારણ કે તે આ ગુનામાં મદદગારી કરતો હતો.

30મી જુલાઈના રોજ ધોળકાના પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે રસ્તા પર રહેતા એક ફુગ્ગા વેચનાર પરિવારની 7 મહિનાની બાળકી રાત્રે ગુમ થઈ ગઈ હતી. સવારે માતાની આંખ ખુલતા બાળકી ન મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. ધોળકા ટાઉન પોલીસ, અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત કાર્યવાહી હાથ ધરી. આસપાસના 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસતા, એક શંકાસ્પદ બાઇક પર એક યુવક અને યુવતી બાળકી સાથે જતા જોવા મળ્યા. બાઇકના નંબર પરથી પોલીસે આરોપીઓ મનીષા સોલંકી અને બીનલ સોલંકી ને શોધી કાઢ્યા. ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમનું લોકેશન મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મળતા, ત્યાંની ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા અને બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને પરત સોંપવામાં આવી.

ગેંગની મોડસ ઓપરેન્ડી અને માસ્ટરમાઇન્ડ

પકડાયેલા આરોપીઓમાંથી મનીષા સોલંકી આ સમગ્ર રેકેટની માસ્ટરમાઇન્ડ છે. તેણે રસ્તા પર રહેતા આ પરિવારને જોઈને બાળકીના અપહરણની યોજના બનાવી હતી. તે આ બાળકીને એજન્ટ સિદ્ધાંત જગતાપ મારફતે ₹1.5 લાખમાં વેચવાની હતી, જે બાળકીને વધુ ભાવે ₹2.5 લાખમાં હૈદરાબાદના એક દંપતિને વેચવાનો હતો.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મનીષા સોલંકી IVF સેન્ટરમાં એગ ડોનર તરીકે કામ કરતી હતી, જ્યાં તેને એક વારના ₹20,000 થી ₹25,000 મળતા. વધુ પૈસા કમાવાની લાલચમાં તેણે અને તેની પાડોશી બીનલ સોલંકીએ બાળ તસ્કરીનું રેકેટ શરૂ કર્યું. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આ ગેંગે અગાઉ 15 દિવસથી લઈને 7 મહિનાના 4 બાળકોને અન્ય રાજ્યોમાં વેચ્યા છે. આ ગુનામાં મનીષા સોલંકીના પતિ મહેશ સોલંકીની પણ સંડોવણી હોવાથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

પોલીસ હવે મનીષા સોલંકીએ વેચેલા અન્ય 4 બાળકો વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં તેમના માતાપિતા કોણ હતા, કોને વેચવામાં આવ્યા અને કેટલી રકમનો સોદો થયો હતો તેની તપાસ કરવામાં આવશે. આ ગેંગના તાર અન્ય રાજ્યોની બાળ તસ્કરી ગેંગ સાથે જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ કેસમાં આગામી સમયમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.