Ahmedabad School Stabbing : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મણિનગર વિસ્તારની આજે તમામ સ્કૂલ્સ બંધ રહી હતી. મોટા ભાગની શાળામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. સ્કૂલ બહાર સ્કૂલ સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવતા નજરે પડ્યા હતા.
મણિનગરની મુક્ત જીવન સંસ્થા સાથે જોડાયેલી તમામ શાળાઓ બંધ રહી હતી. સેવન્થ ડે સ્કૂલની ઘટનાને લઈને ડીઈઓએ અમદાવાદ શહેરમાં આવેલી સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ, અને ખાનગી પ્રાથમિક તથા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સલામતી, સુરક્ષાને કેન્દ્રમાં રાખી વિવિધ પગલાં ભરવા આદેશ આપ્યો છે. શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ પણ ડીઈઓ કચેરીને કરવા જણાવાયું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવાની પણ સૂચના અપાઈ છે. આ તરફ, ખોખરા પોલીસે હત્યાનો ગુન્યો છે અને ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. હાલ તો પોલીસે સગીર વિદ્યાર્થી અને મદદગારી કરનાર અન્ય બે સગીરની અટકાયત કરી છે. ગઈકાલે શાળામાં FSLની ટીમ તપાસ માટે પહોંચી અને જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.
સ્કૂલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે વિવિધ સંગઠન વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા છે.જેને લઈને સ્કૂલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. સેવેન્થ ડે સ્કૂલ જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાં આવેલી તમામ શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અલગ અલગ સંગઠનો આજે વિરોધ પ્રદર્શન કરે તેવી આશંકાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
શરૂઆતમાં આ ઘટનાની ફરિયાદ હત્યાના પ્રયાસ તરીકે નોંધાઈ હતી, પરંતુ વિદ્યાર્થીનું મૃત્યુ થતાં હવે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની ગંભીરતા જોતા તેની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી સગીર, તેને હથિયાર આપનાર અને અન્ય એક મદદગાર સહિત કુલ 3 લોકોની અટકાયત કરી છે. પોલીસે હવે આ સમગ્ર ષડયંત્રમાં અન્ય કેટલા લોકો સામેલ હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.