અમદાવાદઃ અમદાવાદમાં પોશ મનાતા વિસ્તાર સેટેલાઇટની આનંદ નિકેતન સ્કૂલના વિદ્યાર્થિનીઓની પરીક્ષા મોકૂફ રખાવવા માટે સ્કૂલની વિદ્યાર્થીનીઓના મોર્ફ કરેલા ફોટા બનાવીને વાયરલ કરી નંખવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો છે. સ્કૂલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરતા તેને અટકાવવા માટે આવેલા ઇમેલમાં લખ્યું છે કે, પરીક્ષા લેશો તો સ્કૂલની વિદ્યાર્થીનીઓના ફોટા મોર્ફ કરી અશ્લીલ બનાવી વાઇરલ કરીશું. પરીક્ષા રદ નહી કરો તો ઇ-મેઇલના સ્ક્રીન શોટ લઇ તે પણ પોસ્ટ કરીશ જેથી તમે હાસ્યાસ્પદ સાબિત થશો. આ ધમકીના પગલે સ્કૂલે પરીક્ષા રદ કરી સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.


બોડકદેવના ક્લાસીક પેલેસમાં રહેતા બિનુ થોમસ એસજી હાઇવે ખાતે આવેલી આનંદ નિકેતન કેમ્પસ સ્કૂલમાં ઇન્ટરનેશનલ બોર્ડના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. સ્કૂલમાં 64 શિક્ષક 6 વ્યક્તિનો અન્ય સ્ટાફ છે. આ સ્ટાફ 604 વિદ્યાર્થીઓને લોકડાઉનના કારણે ઓનલાઇન શિક્ષણ આપે છે.

સ્કૂલે 20 ઓગસ્ટે વિદ્યાર્થીઓના નંબર પર અર્ધવાર્ષિક પરીક્ષાનુ ટાઇમટેબલ મોકલ્યું હતુ. દરમિયાનમાં 9 સપ્ટેમ્બરે સ્કૂલના એકેડેમિક હેડ મોનિકા નંદા પર એક ઇમેઇલ આવ્યો હતો કે, મોનિકા ધોરણ 8થી ૧૨ની ઓનલાઇન પરીક્ષાઓ રદ કરો. આ માંગણી નહિ સ્વીકારો તો હું તમારી કેટલીક વિદ્યાર્થિનીઓના નગ્ન પિક્ચર અને શરમજનક લખાણો લીક કરી દઇશ. આ ફોટા એડીટ કરેલા છે પરંતુ ફોટા સાચા કે ખોટા તેનો ખ્યાલ નહી આવે. આ ફોટા તેમના મગજ પર અસર કરશે તેવા છે. આ પિક્ચરનો દુરૂપયોગ કરી માનસીક ત્રાસ આપી હેરાન કરીશ.

આ ઇમેઇલના સ્ક્રીન શોટ પણ પોસ્ટ કરીશ જેથી તમે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઇ જશો. મારી માંગણી નહી સ્વીકારો તો એ જીંદગીની ભુલ સાબિત થશે. ગંદા પિક્ચરની વેબસાઇટ લીંક તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને મોકલીશ અને પરીક્ષા રદ થશે તો આવુ નહી કરુ. તમારુ કાઉન્ટડાઉન શરુ થઇ ગયુ છે.