અમદાવાદ: પોલીસ કમિશનર અમદાવાદ શહેર તરફથી અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ. જે અન્વયે મળેલ બાતમીના આધારે અમદાવાદ શહેરના નારોલ સર્કલથી દાણીલીમડા તરફ જતા કાશીરામ ટેક્ષ ટાઇલ્સની સામેના ભાગે આવેલ શ્રી તુલશી રેસ્ટોરન્ટની બાજુમાં જાહેર રોડ ઉપરથી આરોપી ઇલિયાસ મૈયુદ્દીન શેખના કબજામાંથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો કુલ્લે જથ્થો 33 ગ્રામ 870 મિલીગ્રામ કિ.રૂ.3,38,700/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ કિંમત રૂ 3,64, 280 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ-8(સી), 21(બી), 29 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી વિરુધ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 2010 ના વર્ષમાં ઇંગ્લીશ દારૂનો કેસમાં નવસારી જેલ ખાતે પાસા થયેલ તથા ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જીમખાના ખાતે જુગારના કેસમાં પકડાયેલ હતો.
અમદાવાદમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા
એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળ્યા છે. અમદાવાદના ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર દારૂના નશામાં જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. ગુરુવાર સાંજના સમયે મુલાકાતીને અનુભવ થતા મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. દારૂ પીધેલ ડૉક્ટરનું નામ ડોકટર બ્રિજેશ કટારા હોવાનું સામે આવ્યું છે. ડો બ્રિજેશ કટારાને અગાઉ પણ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાલ વીડિયોના પુરાવા સ્વરૂપે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે. ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આશા છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.