અમદાવાદ:  અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર મુકાબલો છે. આ મેચ શરુ થાય તેના થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  આજે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે.  IPLના ચાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે.  IPLમાં વરસાદ વિધ્ન બને તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના  વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં  એસજી હાઈવે,  થલતેજ, આશ્રમરોડ, સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. 


અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.  વાદળછાયા વાતાવરણ વચ્ચે થલતેજ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. શહેરના ગોતા, ચાંદલોડિયા, વાડજ સહિત  શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.  મોટેરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના એસ જી હાઇવે અને  વૈષ્ણવ દેવી વિસ્તાર આસપાસ કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. 


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી


રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે.  જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે.   હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.   ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે.   અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે.   ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે.  


સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે


સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.


ચોમાસાનું આગમન જૂનમાં થશે


હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસાનું આગમન જૂનમાં થશે. મજબૂત થયા બાદ ચોમાસું 4 જૂનની આસપાસ કેરળ પહોંચશે. IMDએ કહ્યું કે 1 જૂન પહેલા ચોમાસાની શરૂઆત થવાની આશા નથી. જો કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતના મોટાભાગના વિસ્તારોમાં જૂનમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.