અમદાવાદમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 11 પર પહોંચી ગઈ છે. પશ્ચિમ,ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધતા અહીંના સ્થાનિકોએ વધુ સાવધાન થવાની જરૂર છે.

ગોતા વિસ્તારમાં સફલ વિવાન ફેઝ-2માં પાંચ મકાન, થલતેજ ઝોનમાં મનીચંદ્ર સોસાયટીમાં 4 મકાન, નવરંગપુરા વિસ્તારમાં કેશવબાગ એપાર્ટમેન્ટમાં બે મકાન તો નારણપુરા વિસ્તારમાં ઑશન કોલીનામાં ચાર મકાન માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ નવા 424 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન એકનું મૃત્યુ નિપજ્યુ છે.

છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસમાં 22 ટકાનો ઉછાળો જોવા મળ્યો. 23 ફેબ્રુઆરે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 348 હતી. જો કે રાહતની વાત એ જરૂર છે કે હજુ રાજ્યના સાત એવા જિલ્લા છે જ્યાં એકપણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠા, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપીનો સમાવેશ થાય છે.

કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં હાલ કોરોનાના કુલ કેસનો આંક ૨,૬૮,૫૭૧ છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના નવા ૨,૨૭૪ કેસ નોંધાયા છે. આ ઉપરથી જ રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિનો અંદાજ મેળવી શકાય છે.

ગઈકાલે નોંધાયેલ કુલ કેસમાં જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે તેમાં વડોદરા ૮૯ સાથે મોખરે છે. વડોદરા શહેરમાં ૭૯ જ્યારે ગ્રામ્યમાં ૧૦ નવા કેસનો સમાવેશ થાય છે. સુરત શહેરમાં ૭૯-ગ્રામ્યમાં ૮ સાથે ૮૭, અમદાવાદ શહેરમાં ૭૧-ગ્રામ્યમાં ૪ સાથે ૭૫ નવા કેસ નોંધાયા છે.