Ahmedabad traffic diversion May 26: આગામી સોમવાર, ૨૬ મે, ૨૦૨૫ ના રોજ અમદાવાદમાં વડાપ્રધાનના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી યોજાનારા આ રોડ શોને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને સુવિધા માટે કેટલીક સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે, જેથી કોઈને અગવડ ન પડે.
તારીખ ૨૬ મે, ૨૦૨૫, સોમવારના રોજ અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ ખાતે માનનીય વડાપ્રધાનના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સુચારુ રીતે પાર પાડવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેર જનતાને નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવા માટે અપીલ કરી છે.
અમદાવાદ ગાંધીનગર અપ ડાઉન કરનારાઓ માટે
દૈનિક અમદાવાદથી ગાંધીનગર અપ ડાઉન કરનાર નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. જે માટે: ૧. સુભાષ બ્રિજથી વિસત થઈ તપોવન સર્કલ. ૨. ડફનાળાથી રામેશ્વર થઈ મેમકોથી નરોડા પાટિયા થઈ ચિલોડા સર્કલ દ્વારા ગાંધીનગર સુધી આવાગમન કરી શકાશે.
એરપોર્ટ જનારા યાત્રીઓ માટે વિશેષ અપીલ
જે યાત્રીઓની ફ્લાઇટ સાંજે ૬ વાગ્યાથી ૯ વાગ્યાની વચ્ચે છે, તેઓને નમ્ર અપીલ છે કે પોતાના ઘરેથી રોજિંદા સમય કરતાં બે કલાક અગાઉ નીકળવાનું આયોજન કરે. તેમજ, ફ્લાઇટની ટિકિટ કોઈ પોલીસ જવાન માંગે ત્યારે બતાવવી જેથી એરપોર્ટ પહોંચવામાં સરળતા રહે.
ટ્રાફિક નિયંત્રણ અને નો પાર્કિંગ ઝોન
- ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર ૧૬:૦૦ કલાક (સાંજે ૪ વાગ્યા) પછી માત્ર રોડ શો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.
- એ જ રીતે, ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ જનાર વાહનોએ હાંસોલ સર્કલથી સરદારનગર વાળો રસ્તો લઈને Pristine હોટેલ કટથી એરપોર્ટ જવાનું રહેશે.
- રોડ શોમાં આવતા લોકોએ નિર્ધારિત સ્થાન પર સાંજે ૫:૦૦ વાગ્યા પહેલા પહોંચી જવાનું રહેશે.
- સમગ્ર રોડ તેમજ સર્વિસ રોડ અને તેને જોડતા રસ્તાઓ ૧૩:૦૦ કલાક (બપોરે ૧ વાગ્યા) પછી નો પાર્કિંગ ઝોન રહેશે.
સ્થાનિક રહીશો માટે અપીલ
હાંસોલ, કોતરપુર, નોબલ નગર, મેઘાણી નગર અને સરદાર નગરના સ્થાનિક રહીશોને નમ્ર અપીલ છે કે આ સમયગાળા દરમિયાન બિનજરૂરી રીતે વાહનો લઈને ઘરેથી બહાર ન નીકળે અને આવશ્યકતા જણાય તો વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરે.
ટ્રાફિક હેલ્પલાઇન
કોઈપણ પ્રકારની ઇમરજન્સી જણાય કે ટ્રાફિક સંબંધિત માહિતી માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૧૦૯૫ પર સંપર્ક કરવા જણાવાયું છે. નાગરિકોના સહયોગથી આ કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થઈ શકશે.