Ahmedabad Weather Updates: અમદાવાદવાસીઓ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આગામી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરમાં ગરમી વધતાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી, છાશ, શરબત વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી બે દિવસ હીટવેવની આગાહી
હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આગામી બે દિવસ હીટવેવની આગાહી છે. 11, 12, 13 મે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ડાંગ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગ દ્વારા પ્રિ મોન્સુન એક્ટિવિટીની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કાંઠા વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. મંગળવારે અમરેલી, રાજકોટ, અંબાજી અને અરવલ્લીમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયુ હતુ. હવામાન વિભાગ દ્વારા દીવ અને ભાવનગર માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવવાને કરાણે દીવ અને ભાવનગરમાં તાપમાનનો પારો ઊંચકાશે. જ્યારે આગામી 12 અને 13 મેના રોજ પ્રી મોનસૂન એક્ટિવિટી થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. હળવા વરસાદની શક્યતાઓ પહેલા રાજ્યમાં આકરી ગરમીની સંભાવનાઓ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી. જ્યારે અમદાવાદ અને ભૂજમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાતા અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યમાં આગામી દિવસોમાં પ્રી મોનસૂન એક્ટિવીટી થશે શરૂ થઈ જશે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલના મતે આરબ દેશમાંથી આવતું ધૂળકટ પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અન્ય ભાગોને પ્રભાવિત કરશે અને 10થી 14 મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદનું અંબાબાલ પટેલનું અનુમાન છે. સાથે જ મે અને જૂન માસમાં સાગરકાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણો વધશે. 16 મે બાદ બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાતો સર્જાશે અને અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. 17 જૂન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો સાથે વરસાદ પડશે. આ વર્ષે ચોમાસામાં રાજ્યમાં ભારે વરસાદ રહેશે.